લોકમેળામાં વિવાદ યથાવત, રાઇડ્સ માલિકોની મુખ્યમંત્રી સુધી રજૂઆત
બપોર બાદ કલેક્ટર સાથે બેઠકમાં સમાધાન ન નીકળે તો રાઇડ્સ અંગે અનિશ્ર્ચિતતા
રાજકોટમાં દર વર્ષે યોજાતા પરંપરાગત લોકમેળાના ભવિષ્ય સામે આ વખતે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કલેક્ટર તંત્ર દ્વારા ઘડવામાં આવેલી નવી જઘઙ ને લઈને રાઇડ સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેના કારણે તેમણે મેળા માટેના ફોર્મ ભરવાનો ઇનકાર કર્યો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે મેળો યોજાશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
આ મામલે રાજકોટ અને સૌરાષ્ટ્રના રાઇડ માલિકોનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ગાંધીનગર પહોંચ્યું હતું. તેમણે મુખ્યમંત્રી સમક્ષ SOP માં રહેલી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, રાઇડ સંચાલકોએ મહેસૂલ સચિવ સહિત અન્ય અધિકારીઓને પણ મળીને પોતાની રજૂઆતો કરી હતી. મહેસૂલ સચિવે આ મુદ્દે ટેકનિકલ પાસાંઓ પર વિચારણા કરીને રાજકોટના સ્થાનિક કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની ખાતરી આપી છે.
દરમિયાન, આજે બપોર બાદ રાઇડ માલિકો કલેક્ટરને મળવાના છે. આ બેઠક બાદ શું નિર્ણય લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. રાજકોટના નવા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ડો. ઓમ પ્રકાશે ફોર્મ ભરવાની મુદત વધારીને 9 જુલાઈ સુધી લંબાવી છે, જે સંચાલકોને વધુ સમય આપવા માટેનો એક પ્રયાસ હોઈ શકે છે.