જામનગરમાં લોકમેળાના પ્રારંભ પહેલાં જ વિવાદ, નિયમ વિરૂધ્ધના સાધનો સીલ કરી દેવાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં નિયમ વિરૂૂદ્ધ ખડકાયેલા મનોરંજનના સાધનોને આજે સીલ કરી દેવામાં આવ્યા હતા અને ફૂડના સ્ટોલ ધારકોને રેંકડીઓ પ્લોટમાં નહીં રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ કાર્યવાહીને લઈ મેળામાં સ્ટોલ ધારકો તંત્ર સામે નારાજ જોવા મળી રહ્યા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં મેળા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં કેટલાક મનોરંજનના સાધનો ફાળવવામાં આવેલા પ્લોટની બહારની જગ્યામાં ખડકી દેવામાં આવ્યા હતા ગઇકાલે મહાનગરપાલિકાની ટીમ નાયબ કમિશનર, સિવિલ વિભાગ, એસ્ટેટ વિભાગ સહિતની ટીમો ચેકીંગ માટે પહોંચ્યા હતા અને ગેરકાયદે ખડકી દેવાયેલા મનોરંજનના સાધનોને સીલ કર્યા હતા. બીજી બાજુ રમકડાના સ્ટોલ ધારકોએ પણ વધારાની જગ્યામાં દબાણ કર્યું હતું, તેને પણ કડક સૂચના આપવામાં આવી હતી. ત્યારે પ્લોટ ધારકોએ જણાવ્યું કે લાખો રૂૂપિયા ચૂકવ્યા છતાં મેળો સમયસર શરૂૂ ન થઈ શક્યો.
નિયમોના નામે તંત્ર દ્વારા હેરાનગતિ થાય છે તેવા આક્ષેપ પ્લોટ ધારકોએ કર્યા છે. વધુમાં એમ પણ જણાવ્યું કે પ્રદર્શન મેદાનમાં 10 ઓગસ્ટે શરૂૂ થવાનો મેળો હજુ સુધી પણ લાઈસન્સ ન મળતા શરૂૂ થઈ શક્યો નથી. જેથી સ્ટોલ ખાણી-પીણી અને રમકડાં સ્ટોલ ધારકોમાં નારાજગી જોવા મળી છે. શ્રાવણી મેળો યોજવા મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે, પરંતુ તેની સામે કોર્ટમાં અરજી થવા પામી હતી, જેમાં અનેક ઉતાર-ચઢાવ પછી ગઈકાલે હાઈકોર્ટના ચૂકાદાથી મેળાનો માર્ગ મોકળો થયો છે. ત્યારે લોકમેળો ક્યારે શરુ થશે એ બાબતને લઈ ચારેબાજુ ચર્ચા જાગી છે.