વિવાદાસ્પદ ડો.શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલ જપ્ત
કુવાડવા રોડ પર આવેલી મિલકત ગીરવે મૂકી બેંકમાંથી લોન લીધી હતી : લોનના હપ્તા ચડત થઈ જતાં પૂર્વ મામલતદારે બેંક અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરી
રાજકોટ શહેર જિલ્લામાં બેંકમાંથી લોન લીધા બાદ અમુક આસામીઓ હપ્તા ભરતાં ન હોય આવા આસામીઓ સામે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ઝુંબેશ શરૂ કરી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટનાં વિવાદાસ્પદ ડો.શ્યામરાજાણીની કુવાડવા રોડ પર આવેલ લાઈફ કેર હોસ્પિટલની મિલકત પર બેંકમાંથી લોન લીધા બાદ ચડત હપ્તા નહીં ભરતાં 51 લાખની લોન વસૂલવા માટે પૂર્વ મામલતદાર સહિતનાં સ્ટાફે બેંક અધિકારીઓને સાથે રાખી લાઈફ કેર હોસ્પિટલ જપ્ત કરવામાં આવી છે.
રાજકોટમાં ભારે ચર્ચાસ્પદ બનેલા કુવાડવા રોડ પર આવેલ લાઈફ કેર મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ચલાવતાં ડો.શ્યામ રાજાણી સામે બળાત્કાર, સરકારી દવાખાનામાંથી દવાઓ મેળવી પોતાની હોસ્પિટલમાં બારોબાર વેચવી સહિતના અનેક કૌભાંડો બહાર આવ્ક્ષા હતાં. જેના કારણે ડો.શ્યામ રાજાણી સામે પોલીસ તંત્ર દ્વારા ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.
વિવાદાસ્પદ ડો.શ્યામ રાજાણીની કુવાડવા રોડ પર આવેલ લાઈફ કેર હોસ્પિટલની મિલકત તેની માતા ભારતીબેન હેમંતભાઈ રાજાણીના નામે હોય અને આ મિલકત પર બેંકમાંથી લોન લીધા બાદ આજ દીન સુધી હપ્તા નહીં ભરતાં ચડત વ્યાજ અને લોનની રકમ વસૂલવા માટે આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. પરંતુ ડો.શ્યામ રાજાણી કે તેના પરિવારજનો દ્વારા લોનના હપ્તા નહીં ચુકવતાં પૂર્વ મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મલેક બેંકના અધિકારીઓને સાથે રાખી આજે લાઈફ કેર મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ જપ્ત કરી હતી.
આ ઉપરાંત રેલનગરમાં આવેલ ઓ.કે.મેચીંગ સેન્ટરનાં માલિકે બેંકમાંથી 39 લાખની લોન લીધી હોય જેના હપ્તા નહીં ચુકવતાં પૂર્વ મામલતદાર અને તેમના સ્ટાફે રેલનગરમાં આવેલ માલતીબેન રાઠોડની માલિકીની મિલકત જપ્ત કરવામાં આવી હતી.