લોકમેળામાં રાઇડ્સના સોઇલ ટેસ્ટિંગ બાબતે કલેકટરના નામે વિવાદી ઓડિયો ક્લિપ
સોઇલ ટેસ્ટિંગ જરૂરી નહીં હોવાની અજ્ઞાત શખ્સે ઓડિયો વાઈરલ કરતા કલેકટરનો રદિયો
રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાના લોકમેળાની યાંત્રીક રાઇડસના પ્લોટોની હરરાજીના વિવાદ વચ્ચે ખાનગી મેળા યોજતા એક જ જુથે રાઇડસના તમામ 31 પ્લોટ રૂા.1.27 કરોડમાં ખરીદી લીધા બાદ યાંત્રીક રાઇડસના પ્લોટ ખરીદનાર જુથના એક વ્યક્તિએ કલેકટરના નામે એક ઓડીયો કિલપ વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. જો કે, જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ઓડીયો કિલપમાં જણાવાઇ રહેલ વાતને નકારી કાઢી છે.
આજે સવારથી એક ઓડીયો કિલપ વાયરલ થઇ રહી છે તેમાં એક વ્યકિત જણાવે છે કે, લોકમેળા બાબતે કલેકટરનું અંગત નિવેદન રેસકોર્ષ મેદાનની જમીન પકક્ડવાળી હોવાથી સોઇલ ટેસ્ટના રિપોર્ટ સો ટકા હકારાત્મક આવશે એટલે સ્ટ્રકચર બનાવવાની જરૂર રહેશે નહીં.
જો કે આ ઓડીયો ક્લિપ વાયરલ થયા બાદ જિલ્લા કલેકટરે આ ઓડીયો કિલપને સંપુર્ણ પાયાવિહોણી ગણાવી છે અને જણાવ્યું હતું કે, લોકમેળામાં સેફટી સાથે કોઇ બાંધ છોડ નહીં થાય. આ ઓડીયો કિલપ તદન ખોડી છે.
દરમિયાન લોકમેળાની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તંત્ર 15 ઓગસ્ટની ઉજવણીમાંથી નવરૂ પડતા જ આજે લાઇટ ડેકોરેશનનો રૂા.33 લાખમાં, સાઉન્ડ સિસ્ટમનો રૂા.પાંચ લાખમાં અને એલઇડીનો કોન્ટ્રાકટ રૂા.4.50 લાખમાં ફાઇનલ કરી દેવાયો હતો.