પે એન્ડ પાર્કિંગમાંથી વાહન ચોરાશે તો જવાબદારી કોન્ટ્રાક્ટરની
- અમદાવાદમાં નિયમ લાગુ થતાં રાજકોટ મનપા એએમસી પાસેથી સંપૂર્ણ વિગત મગાવી શહેરમાં તમામ પાર્કિંગમાં અમલવારી શરૂ કરાવશે
રાજકોટ શહેરમાં સૌથી મોટી સમસ્યા વાહન પાર્કિંગની સતાવી રહી છે. જેના માટે મહાનગરપાલિકા દ્વારા અનેક સ્થળોએ પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના માટે અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા પે એન્ડ પાર્કિંગમાં વાહન રાખનારનું વાહન ચોરાઈ જાય તો તેની જવાબદારી વાહનમાલીક ઉપર ઢોળવામાં આવી રહી છે. અને પે એન્ડ પાર્કિંગની ફી પેટે આપવામાં આવતી પહોંચ ઉપર પણ લખેલું હોય છે કે વાહનની જવાબદારી વાહન ચાલકની રહેશે આથી પૈસા લઈને વાહનનું ધ્યાન ન રાખી શકનાર કોન્ટ્રાક્ટરોને હવે સાણસામાં લેવામાંટે અમદાવાદ મહાનગર પાલલિકાએ પગલું ભર્યુ છે અને ટેન્ડરમાં ખાસ ઉલ્લેખ કરી વાહન પાર્કિંગમાંથી ચોરાય ત્યારે કોન્ટ્રક્ટરની જવાબદારી ક્રીઝ કરી છે. જનું અનુસરણ કરવા હવે રાજકોટ મહાનગરપાલિક જઈ રહી છે. અને ટુંક સમયમાં ટેન્ડરમાં સુધારા કરી અમલવારી શરૂકરાવમાં આવશે. તેમ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના ટ્રાફિક બ્રાન્ચમાંથી જાણવા મળેલ વિગત મુજબ હાલ રાજકોટ શહેરમાં 100થી વધુ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ કાર્યરત છે. તમામ પે એન્ડ પાર્કિંગનું સંચાલન ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ વાહન ચાલકોનું વાહન પાર્કિંગમાંથી ચોરાઈ જાય ત્યારે કોન્ટ્રાક્ટરનો માણસ ફક્ત વાહન ચોરીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં સાથે જાય છે. જેની સામે વાહન પાર્કિંગમાં મુકવાના પૈસા આપવામાં આવે ત્યારે તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેતી હોય છે તેવું અમદાવાદમાં એક અરજદારે જણાવતાઅમદાવાદ મહાનગરપાલિકાએ ટેન્ડરમાં સુધારાવધારા કરી પે એન્ડ પાર્કિંગના વાહનોની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર ઉપર નાખવામાં આવી છે. આ મુદદ્દે રાજકોટ મહાનગરપાલિકા પણ આ પ્રકારનો નિયમ અમલમાં મુકવાનું વિચારી રહી છે. કમિશનર વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી આ અંગેની સંપૂર્ણ માહિતી મંગાવવામાં આવશે ત્યારબાદ રાજકોટના તમામ પે એન્ડ પાર્કિંગમાં આ નિયમ અમલમાં મુકવામાં આવશે.
શહેરમાં ખાનગી પે એન્ડ પાર્કિંગની સંખ્યા જૂજ માત્રામાં છે મોટાભાગના પે એન્ડ પાર્કિંગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. અને આ તમામનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. પે એન્ડ પાર્કિંગનું કામ આપ્યા બાદ તંત્ર દ્વારા પાર્કિંગમાં વાહન મુકનાર વાહન માલીકને પડતી મુશ્કેલીઓ જાણવાની કોશીષ આજ સુધી કરી નથી અત્યાર સુધીમાં પે એન્ડ પાર્કિંગમાંથી અનેક નાના મોટા વાહનોની ચોરી તઈ ગઈ છે. તેની ફરિયાદ સીધી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર કોઈ જાતની જવાબદારી લેતા નથી આથી નવા નિયમની અમલવારી થતાં જ વાહન માલીકોને મોટી રાહત થશે અને કોન્ટ્રાક્ટરો દ્વારા પણ સાવચેતીના વધુ પગલા લેવાશે તેવું લાગી રહ્યું છે.
એક સ્થળ ઉપર ફક્ત એક જ માણસ
મનપાના પે એન્ડ પાર્કિંગમાં હાલ કોન્ટ્રાક્ટરનો એક જ માણસ આખા પે એન્ડ પાર્કિંગનું સંચાલન કરતો હોય છે. વાહન માલીક પોતાનું વાહન રાખે એટલે પૈસા લઈ પાવતી પકડાવી દેવામાં આવે છે. ત્યાર બાદ આ માણસ અનેક વખત પે એન્ડ પાર્કિંગમાંથી લાપતાથઈ જતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. અમુક વાહન ચાલકોના જણાવ્યા મુજબ પોતાનું વાહન પરત લેવા જાય ત્યારે કોન્ટ્રાક્ટરનો માણસ ત્યાં હાજર હોતો નથી પરિણામે રેઢુ પડ પડેલા પે એન્ડ પાર્કિંગમાથી કોઈપણ વ્યક્તિ વાહનચોરી કરી શકે છે આથી નિયમોમાં સુધારો કરી પે એન્ડ પાર્કિંગનું રખોપુ પણ ચુસ્ત પણે કરવું જોઈએ તેમ વાહન ચાલકોએ માંગણી કરી છે.