સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટબેઝ નર્સિંગ સ્ટાફનો પગાર નહીં થતાં દેકારો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટબેઝ 360 જેટલા નર્સિંગ સ્ટાફને બે મહિનાથી પગાર નહીં મળતા નર્સિંગ સ્ટાફ દ્વારા આ મામલે રેલી કાઢી તબીબી અધિક્ષકને રજૂઆત કરી હતી. સિવિલ હસ્પિટલના કોન્ટ્રાક્ટ થકી લાકો રૂપિયાની મલાઈ ખાતા કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર પગાર ન ચુકવવામાં આવતા નર્સિંગ સ્ટાફની હાલત કફોડી બની જતાં આ મામલે તબીબી અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝથી ફરજ બજાવતા 360 જેટલા નર્સિંગ સ્ટાફને છેલ્લા બે મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. મેનપાવરનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરે પગાર નહીં ચૂંકવતા 360 જેટલા નર્સિંગ સ્ટાફની હાલત કફોડી બની ગઈ છે. અને કર્મચારીઓની ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જતાં અંતે આજે આ મામલે નર્સિંગ સ્ટાફ દ્વારા રેલી કાઢી સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડો. મોનાલી માકડિયાને રજૂઆત કરી તાત્કાલીક પગાર ચુકવવા માંગ કરી હતી. જેને લઈને તબીબી અધિક્ષકે કોન્ટ્રાક્ટરને તાત્કાલીક પગાર ચુકવવા સુચના આપી હતી.