સુરત-વડોદરાવાળી ન થાય માટે પોલીસની સતત વોચ! અંધારામાં મિત્ર સાથે બેઠેલી સગીરાઓને ઘરે મોકલી
રાજકોટ-જૂનાગઢ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસનું મોડી રાત્રે અવાવરુ જગ્યાઓ પર ખાસ ચેકિંગ
તાજેરમાં સુરત અને વડોદરામાં યુવતીઓ સાથે બનેલી ગેંગ રેપની ચોંકાવનારી ઘટનાઓના પગલે જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઇ છે અને એ ઘટનાઓનું જૂનાગઢ શહેરમાં પુનરાવર્તન ન થાય તે માટે ખાસ કરીને રાત્રીના સમયે વધુ એલર્ટ બની છે. ધોરાજી ચોકડીથી મધુરમ બાયપાસ, ચોબારી રોડ અને ગ્રામ્ય વિસ્તારના સૂમસામ માર્ગો પર મિત્ર સાથે એકાંતમાં બેસેલી સગીરાઓ- યુવતીઓને સમજાવીને ઘરે મોકલવાની ઝુંબેશ શરૂૂ કરી છે. રાજકોટ-જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં સુરત-વડોદરાવાળી બને નહીં એ માટે પોલીસ એક્શન લઈ રહી છે અને અંધારીયા એકાંતમાં બેઠેલી યુવતીઓને સમજાવી ઘરે મોકલવાની ઝુંબેશ હાથ ધરી છે.
શહેરમાં ધોરાજી ચોકડી થી મધુરમ બાયપાસ, ઝાંઝરડા ચોકડી પાસે આવેલ મોલની સામેના સિમેન્ટ રસ્તા, ચોબારી રોડ, ખામધ્રોળ ચોકડી, ગ્રામ્ય વિસ્તારો તરફ જતા માર્ગો વગેરે નિર્જન જગ્યાએ ખાનગીમાં મળવા માટે પ્રેમી યુગલો પહોંચતા હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે આવી જગ્યાઓ પર વોચ રાખવાનું શરૂૂ કર્યું છે.
ઝાંઝરડા રોડ પર પોલીસે ચેકિંગ હાથ ધરતા યુવતીઓ, યુવકો સાથે મળી આવતા પોલીસે સમજાવીને ઘરે મોકલી આપી હતી. આ સંજોગોમાં નિર્જન જગ્યાએ રાત્રિના અંધકારમાં મળવાનું જોખમી હોય આથી આવી બાબતથી દૂર રહેવા પોલીસ તંત્રએ સલાહ આપી છે.
જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં રાત્રે સૂમસામ એકાંતમાં બેઠેલા યુવક અને યુવતીઓ સાથે વાત કરીને પોલીસે સમજાવ્યા અને તેમના ઘરે મોકલી દીધા હતા.
તમારા બાળકો કયાં રમવા કે ગરબા જોવા જાય છે? તેનું ધ્યાન રાખો: ડીવાયએસપી
જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં નવરાત્રિ પર્વને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. લોકોની સુરક્ષા વગેરેને લઈ પોલીસ ખડેપગે છે. નવરાત્રિમાં યુવક, યુવતીઓ ગરબા રમવા, જોવા જ જાય છે કે તે બાબતનું ધ્યાન માતા પિતા, વાલીઓએ ખાસ રાખવું આવશ્યક છે. હિતેશ ધાંધલ્યા, ડીવાયએસપી