રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવરાત્રીમાં હોટલ-ગેસ્ટ હાઉસોનું સતત ચેકિંગ, ભાંગફોડિયાઓ ઉપર વોચ

03:45 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત પોલીસ દ્વારા તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન

રાત્રે 8 વાગ્યા બાદ પોલીસ શરૂ કરશે ફૂટ પેટ્રોલિંગ, ગરબા સ્થળોએ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે પોલીસ

નિયત તીવ્રતા કરતા વધુ અવાજે સાઉન્ડ વગાડનાર સામે કાર્યવાહી, રાત્રે 12 ના ટકોરે સ્પીકર બંધ

ગુનાહિત ઈતિહાસ ધરાવનાર સીકયુરિટી ગાર્ડને રાખવાની પણ મનાઈ, પોલીસ વેરિફિકેશન ફરજિયાત

નવરાત્રી દરમ્યાન સોશ્યલ મીડિયા ઉપર સાયબર ક્રાઈમ ટીમની વોચ, મુસ્લિમ ધર્મસ્થળો આસપાસ વિશેષ બંદોબસ્ત

ગુજરાતીઓના સૌથી મોટા પર્વ ગણાતા નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે નવ દિવસ સુધી ગુજરાતીઓ ગરબા માણી શકે તે માટે ગૃહવિભાગ દ્વારા મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના પોલીસ કમિશનર સહિતના જિલ્લાના અધિકારીઓ સાથે યોજેલી વિડિયો કોન્ફરન્સના આધારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે એકશન પ્લાન બનાવ્યો છે જેનો અમલ કરવા તાકીદ કરી છે. જેમાં પોલીસને અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવના ગરબા આયોજકો સાથે મીટીંગ કરીને આ બાબતની જરૂરી સુચનાઓ આપી નિયમોનું કડક પાલન કરવા માટે તાકીદ કરવા આદેશ કર્યો છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નવરાત્રીને લઈને કેટલીક ગાઈડલાઈન બાબતે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને પોલીસ વડા સાથે મહત્વની ચર્ચા કરી હતી. જેમાં નવરાત્રી દરમ્યાન શું શું તકેદારી રાખવી અને કેવા પગલાં ભરવા તે બાબતની સુચનાઓ આપી હતી. પોલીસ દ્વારા નવરાત્રીના તહેવારો દરમ્યાન હોટલ, ગેસ્ટ હાઉસનું સતત ચેકીંગ કરી ભાંગફોડયા તત્વો પર ખાસ વોચ રાખવામાં આવશે. ઉપરાંત ભીડભાડ વાળી જગ્યાએ પાકીટ ચોરી તેમજ મોબાઈલ ચોરીના બનાવો ન બને તે માટે ખાનગી કપડામાં પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે તેમજ નવરાત્રી તેમજ દશેરાના તહેવારોની ઉજવણી શાંતિથી થાય તે માટે અગમચેતી અને તકેદારીના પગલાં રૂપે શહેરની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ સાથે વાહનોનું ચેકીંગ કરી શંકાસ્પદ હિલચાલ ધરાવતાં ભાંગફોડની પ્રવૃતિ કરનાર તત્વો ઉપર વોચ રાખી જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવી.

નવરાત્રી દરમ્યાન રાત્રિનાં આઠ વાગ્યાથી જ પોલીસને પોતાના શહેરને વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવાની સુચના આપવામાં આવી છે તેમજ નવરાત્રિ દરમ્યાન સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ધર્મ વિરૂધ્ધ અભદ્ર ભાષામાં ઓડિયો કે વિડિયો ઉપર તેમજ હિન્દુ ધર્મના દેવી દેવતાઓના કોઈ અભદ્ર ફોટા ન મુકે તે માટે સાયબર ક્રાઈમને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને સાયબર ક્રાઈમ પોલીસ સોશ્યલ મીડિયા પ્લેટફોમ ઉપર ખાસ વોચ રાખશે. નવરાત્રી દરમ્યાન હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે વિશ્ર્વાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવા જિલ્લા પોલીસ વડાએ સુચન કર્યું છે. ઉપરાંત નવરાત્રીનાં ગરબામાં બોમ્બ સ્કવોર્ડને પણ એેલર્ટ ઉપર રાખવામાં આવશે અને જરૂર જણાય તો એન્ટી સબોટેજ ચેકીંગ કરવામાં આવશે. નવરાત્રીના ગરબા અને રાવણ દહન દરમ્યાન ખાસ કરીને આ સ્થળ આસપાસ મુસ્લિમ ધાર્મિક સ્થળ આવેલ હોય અને ભૂતકાળમાં કોઈ કોમ્યુનલ બનાવ બનેલ હોય ત્યાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

નવરાત્રી દરમ્યાન અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવ સ્થળે પોલીસને બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત રાખવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનું રેકોર્ડીંગ પુરાવા રૂપે મેળવી શકાય. ઉપરાંત રાત્રીના સમયે નવરાત્રીમાં લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળતાં હોય જેથી ચોરી કે લુંટના બનાવો ન બને તે માટે પોલીસને સઘન પેટ્રોલીંગ અને કોમ્બીંગ કરવાની સુચના આપવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને જે તે વિસ્તારમાં ગરબાનું આયોજન થતું હોય તે વિસ્તારનાં ગરબા આયોજકો સાથે સંપર્ક કરી ટ્રાફીક અને પાર્કીંગ બાબતની ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ટ્રાફીક શાખા દ્વારા રાત્રીનાં પણ ટ્રાફીક નિયમન માટે વધારાના સ્ટાફને ફરજ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અર્વાચીન રાસોત્સવમાં મોટા અવાજે વાગતા સાઉન્ડ બાબતે રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર અને પોલીસ વડાને તાકીદ કરીને નિયત કરેલા ડેસીબલ સાઉન્ડ કરતાં વધુ અવાજે લાઉડ સ્પીકર લગાડનાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાતના 12 વાગ્યે જ તમામ ગરબા આયોજકોને માઈક બંધ કરી દેવા અને આ નિયમનો કડક પાલન કરાવવા માટેની સુચના આપવામાં આવી છે. અર્વાચીન રાસોત્સવમાં મહિલા સુરક્ષા બાબતે ખાસ તકેદારી રાખી શી-ટીમને ખાનગી ડ્રેસ કે ટ્રેડીશનલ ડ્રેસમાં ગ્રાઉન્ડમાં તૈનાત રાખવામાં આવશે અને રોમીયોગીરી અટકાવવા માટે ખાસ મહિલા પોલીસની ટીમને જવાબદારી સોંપવામાં આવશે.

રાજ્યના ચારેય મહાનગરોની ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્થાનિક પોલીસ પાસે ગરબા આયોજકોની યાદી મંગાવી ગરબા સ્થળ આસપાસના તમામ ફુડ ઝોન, હોટલ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ સ્થળ ઉપર તેમજ ગરબાના સ્થળે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાની તાકીદ કરી તે બાબતનું ચેકીંગ કરવા માટે ક્રાઈમ બ્રાંચને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ અવાવરૂ જગ્યાઓ અને સુમસામ જગ્યાઓ પર વિશેષ પેટ્રોલીંગ માટે ઘોડેસ્વાર પેટ્રોલીંગ, ફ્રીકીંગ લાઈટ વાળી બાઈક અને પીસીઆરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. ગરબાના આયોજન સ્થળ ઉપર એક પીએસઆઈ અને પાંચ પોલીસ કર્મચારીઓની સ્કવોર્ડ બનાવીને તેમને યુનિફોર્મ તથા લાઠી અને હેલ્મેટ સાથે બંદોબસ્ત જાળવવાની તાકીદ કરવામાં આવી છે. તેમજ પોલીસ કર્મચારીઓએ યુનિફોર્મમાં શેરી/મહોલ્લાઓ તથા સોસાયટીઓના રાસ ગરબા સ્થળે પેટ્રોલીંગ કરવા સુચના આપવામાં આવી છે.

રાજકોટનાં બનેલા ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ પોલીસને આવી ઘટનાનું પુર્નરાવર્તન ન થાય તે માટે તમામ કોમર્શિયલ ગરબા માટે સરકારે જાહેર કરેલ આદર્શ ગાઈડલાઈન મુજબ પરવાનગી આપવી અને તેમાં ફાયર સેફટી, એન્ટ્રી એકઝીટ પોઈન્ટ, ઈલેકટ્રીક સેફટી વિગેરે જેવા પ્રમાણપત્રોની ખાસ ખરાઈ કરવી અને કોઈપણ મંજુરી વગરના ગરબા આયોજકોને લાયસન્સ આપવું નહીં. ઉપરાંત મોટા ગરબા આયોજકો સાથે સંકલન કરીને ડ્રોન કેમેરા મારફતે સર્વેલન્સ રાખવામાં આવશે.

અર્વાચીન રાસોત્સવમાં પોલીસ ઉપરાંત આયોજકોને ખાનગી સિકયોરિટીની વ્યવસ્થા કરવા માટેની તાકીદ કરવામાં આવી છે તેમાં પણ પોલીસ વડા દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતાં કોઈપણ સિકયોરિટી ગાર્ડને નોકરીએ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને આવા સિકયોરિટી એજન્સી સંચાલકોએ ગરબા ગ્રાઉન્ડ ખાતે નોકરીએ રાખનાર તમામ સિકયોરિટી સ્ટાફનું પોલીસ વેરીફીકેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમજ ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાં રમતા ખેલૈયાઓ અને જોવા આવતા દર્શકો માટે ઈમરજન્સી એકઝીટ ગેઈટની જાણ માઈક દ્વારા એનાઉસમેન્ટ કરીને સતત કરતાં રહેવું પડશે. તેમજ ગરબા આયોજકોએ પાર્કીગં અને બેઠક વ્યવસ્થાની ક્ષમતાનું બોર્ડ પણ લગાવવું પડશે. ગ્રાઉન્ડમાં ખુલ્લા ઈલેકટ્રીક વાયર નહીં રાખવા તાકીદ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નવરાત્રિનાં તહેવારો દરમિયાન પોલીસ અધિકારીઓએ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા તેમજ રાત્રી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોતાના તાબા હેઠળના અધિકારીઓને સતત પેટ્રોલીંગ કરવા સુચના આપવામાં આવી છે.

શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો ઉપર ચેક પોસ્ટ ઊભી કરી ચેકિંગ કરાશે
નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને નિયમોનું અને ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા સુચના સાથે મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી જેમાં નવરાત્રી દરમ્યાન શહેરના રાજમાર્ગોને જોડતાં પ્રવેશ માર્ગો ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને રાત્રિનાં પોલીસે આવી ચેક પોસ્ટ ઉપર ચેકીંગ કરવા સુચના આપવામાં આવી છે. રાજકોટ શહેરને જોડતાં તમામ પ્રવેશ માર્ગો ઉપર રાત્રિનાં આઠ વાગ્યાથી જ પોલીસ ચેકીંગ કરશે અને શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપર વાહનોનું પણ ચેકીંગ કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબીની ટીમને અલગ અલગ વિસ્તારોમાં ખાનગી ડ્રેસમાં અર્વાચીન અને પ્રાચીન ગરબા તેમજ શેરી ગરબાઓ સ્થળે વિઝીટ કરી વોચ રાખવા સુચના આપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsNAVRATRINavratri 2024police checking
Advertisement
Next Article
Advertisement