રાજકોટ જેલમાં તમાકુ, મોબાઈલ-સિમકાર્ડ ઘુસાડવાનું ષડ્યંત્ર,અગાશીમાં દડો મળ્યો
જેલમાં પ્રિતિબંધિત વસ્તુઓ પહોંચતી કરવાનું નેટવર્ક શોધવા જેલ તંત્ર નિષ્ફળ
રાજકોટ મધ્યથ જેલમાં વધુ એક વખત તમાકુ, મોબાઈલ ફોન અને સીમકાર્ડ ભરેલો દડો જેલમાંથી મળી આવતા પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેલમાં પ્રતિબંધિત તમાકુ, મોબાઈલના સીમકાર્ડ સહિતની વસ્તુ ભરીને જેલની દીવાલ ટપાડી ફેંકવામાં આવતા હોવાના બનાવોમાં અગાઉ પણ બન્યા હોય જેમાં આરોપીઓને પોલીસે પકડી લીધા હતા ત્યારે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
રાજકોટ મધ્યથ જેલના સ્થાનિક ઝડતી સ્કવોર્ડને અન્ય કર્મચારીઓ જેલમાં ચેકિંગ કરતા હતા તે દરમ્યાન નવી જેલ- 11ના યાર્ડ નં 22ની અગાસી ઉપર ચેકિંગ કરતા અગાસી પર આવેલ પાણીની ટાંકી પાસે એક પ્લાસ્ટીકની સેલોટેપ વીંટાળેલ દડો મળી આવેલ જેથી તેની દડાને ખોલી ચકાસણી કરતા તેમાંથી એક કાળા કલરનો સાદો કિ-પેડ મોબાઈલ, એક સીમકાર્ડ અને બુધાલાલ તમાકુની પડીકી 12 નંગ મળી આવતા હોવાનું જણાવતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી છે.
સમગ્ર મુદ્દે હાલ પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે અગાઉ પણ આ નવતર પ્રયોગથી જેલમા પ્રિતિબંધીત વસ્તુઓ પહોંચતી કરવામાં આવી હતી. જેલની દીવાલો ઉંચી છે પરંતુ કોઇ ભેજાબાજે બહારથી મોટો દડો લઇ જેમાં વિવિધ વસ્તુઓ ભરી દડાને સેલોટેપથી સાંધી જેલની અંદર ચોક્કસ જગ્યાએ ઘા કરવામા આવે છે. પરંતુ કોઇ આ ઘા કરે છે અને કોના માટે કરે છે અને આ દડો કોણ ફેંકી જાય છે, ત્યારબાદ અંદર કોણ છે, કોનું આવું નેટવર્ક ગોઠવાયું છે તે જાણવામાં જેલ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આ એક તપાસનો મોટો વિષય બન્યો છે.