બ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસનું કાલથી આંદોલન
શહેરના કાલાવડ રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજનીચે ગેમઝોન બનાવવામાં આવી રહ્યો છે. ટીઆરપી કાંડને હજી એકવર્ષ પણ થયું નથી. અને આ કરુણ બનાવથીશહેરીજનો શોકમાંથી બહાર આવ્યા નથી. ત્યાં બીજો ટીઆરપી કાંડ સર્જાવા મનપા તૈયારી કરી રહ્યું હોય અને વિરોધ, રજૂઆત બાદ પણ તંત્ર નહીં સુધરતા કોંગ્રેસે મોરચો માંડ્યો છે. અને આ પ્રોજેક્ટ રદ કરવા વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા હોય જે અંતર્ગત આવતીકાલથી લોકોના મંતવ્યો મેળવી અને વિરોધ શરૂ કરવામાં આવશે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ કાલાવડ રોડ પર બ્રિજ નીચે જોખમી ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે કોઈ જાતનો પ્રત્યુતર ન મળતા અને પ્રોજેક્ટ રદ કરવા અંગેની કોઈ જાહેરાત કરવામાં ન આવતા આવતી કાલથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રોજેક્ટ રદ કરવાના આંદોલનના શ્રી ગણેશ કરશે. પ્રથમ તબક્કામાં ગેમ ઝોન ની આજુબાજુમાં રહેવાસીઓ અને વેપારીઓ અને આ રસ્તા પરથી અવર-જવર કરતા રાજકોટ શહેરીજનો પાસેથી ગેમ ઝોન અંગેના અભિપ્રાય મેળવવામાં આવશે. અભિપ્રાયો મેળવ્યા બાદ તબક્કાવાર ગેમ ઝોન નો પ્રોજેક્ટ રદ કરાવવાના આંદોલનમાં ધરણા, ઘંટારવ કાર્યક્રમો કરવામાં આવશે. રાજકોટમાં બીજો ટીઆરપી ગેમ કાંડ ન સર્જાઇ તે માટે પ્રજાનો અને રાજકોટના જનતાનો અવાજ કોંગ્રેસ બનશે.
કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સભ્યોએ ફ્રન્ટલ સેલના ચેરમેન, વોર્ડ પ્રમુખો, પૂર્વ કોર્પોરેટરો, કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકર મિત્રો, શહેરના જાગૃત નાગરિકો એ આવતીકાલે 25/1, શનિવારે સવારે 10:15 કલાકે કાલાવડ રોડ ખાતે પરિમલ સ્કૂલ પાસે ના ગેઇટ પાસે ઉપસ્થિત રહેવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી માં જણાવાયું છે.