પાટીદારને ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો આભાર : નરેશ પટેલ
- ચૂંટણી સમયે જ ખોડલધામના ચેરમેનના વિધાનથી સર્જાયેલા રાજકીય વમળો
- લેઉવા પટેલ સમાજના એપ્લિકેશન તાલીમવર્ગમાં નરેશ પટેલની ઉપસ્થિતિ
જામનગરમાં કાલનો શુક્રવારનો દિવસ ખૂબ જ નોંધપાત્ર રહ્યો. ખોડલધામ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ કાલે જામનગરના મહેમાન બન્યા હતાં. તેઓએ પત્રકાર પરિષદમાં જામનગર લોકસભા ચૂંટણી સંબંધે આપેલું નિવેદન વાયરલ થયું છે, કારણ કે તેઓએ નામ લીધાં વિના કોંગ્રેસ પક્ષ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. એક પત્રકારના પ્રશ્નના જવાબમાં નરેશ પટેલએ આ લાગણી જાહેરમાં વ્યક્ત કરતાં જામનગર લોકસભા મતવિસ્તારમાં મોટાં રાજકીય ઝંઝાવાતની સંભાવનાઓ જાણકારો જોઈ રહ્યા છે. કેમ કે, જામનગરના ભાજપના એક પાટીદાર ધારાસભ્ય સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે અને ભાજપના અન્ય એક ધારાસભ્ય પણ પાટીદાર છે. આ સ્થિતિમાં ખોડલધામ ચેરમેને જાહેરમાં કોંગ્રેસ પક્ષનો આભાર માનતાં આ મુદ્દો સમગ્ર જામનગર લોકસભા મતવિસ્તારમાં ચર્ચાનો હોટ ટોપિક બની ગયો છે. કેમ કે, જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા પાટીદાર ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખોડલધામ ચેરમેન અહીં જામનગરમાં કેન્સર હોસ્પિટલ સંબંધિત એક કાર્યક્રમમાં આવ્યા હતાં, તેની થોડી મિનિટો અગાઉ જ આ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં એક પ્રશ્નના ઉત્તરમાં નરેશ પટેલએ ઉપરોકત નિવેદન આપ્યું હતું.
કાલે શુક્રવારે ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ જામનગર આવ્યા હતાં. શહેરના રણજિતનગર વિસ્તારમાં આવેલાં લેઉવા પટેલ સેવા સમાજ ખાતે ખોડલધામ દ્વારા એક બિનરાજકીય સંસ્થકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લામાં ખોડલધામ દ્વારા સર્વ સમાજ માટે નિર્માણ પામી રહેલી આધુનિક કેન્સર હોસ્પિટલ માટેના ભૂમિદાન સંદર્ભે એક એપ્લિકેશન અંગેનો તાલીમ કાર્યક્રમ નરેશભાઈના હસ્તે આયોજિત કરવામાં આવ્યો હતો. પરંતુ એ પહેલાં અહીં જ એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પત્રકારોએ નરેશભાઈ પટેલને પુષ્કળ રાજકીય પ્રશ્નો કરતાં આ પત્રકાર પરિષદ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી.
આ પત્રકાર પરિષદમાં રૂૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ, પાટીદાર દીકરીઓ અંગે કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન વગેરે બાબતો અંગે પત્રકારો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. તમામ પ્રશ્નોના ઉત્તરો નરેશભાઈ પટેલએ બિનરાજકીય ઢંગથી આપ્યા હતાં. આ તકે એક પ્રશ્ન જામનગર લોકસભા મતવિસ્તાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પાટીદાર ચહેરાની પસંદગી કરવામાં આવી એ બાબતે પણ પૂછાયો. જેના જવાબમાં નરેશભાઈ પટેલએ કહ્યું " પાટીદાર ઉમેદવાર પસંદ કરવા બદલ હું પક્ષનો આભાર માનું છું. "
નરેશ પટેલના આ નિવેદનને રાજકીય નિરીક્ષકો બહુ સૂચક રીતે નિહાળી રહ્યા છે. અને આ નિવેદન જામનગર લોકસભા ચૂંટણીઓમાં મોટો રાજકીય ઝંઝાવાત સર્જી શકવાની સંભાવનાઓ પણ ધરાવે છે. નરેશભાઈ આ પ્રશ્નના જવાબમાં અહીં જ અટક્યા ન હતાં. તેઓએ આડકતરી રીતે ભાજપાને પણ ગંભીર સંકેત આપી દીધો. તેઓએ કહ્યું: " જ્યાં પાટીદાર ઉમેદવારનો અધિકાર હોય ત્યાં પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જ જોઈએ.." નરેશભાઈના આ નિવેદનના પણ ગંભીર પ્રત્યાઘાતો પડશે એમ જાણકારો માને છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પત્રકાર પરિષદ બાદ ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલએ કેન્સર હોસ્પિટલ માટેના ભૂમિદાન અંગેની એક એપ્લિકેશન વિષે, ભૂમિદાન માં કોઈ છેતરપિંડીઓ ન થાય વગેરે બાબતો અંગે જાણકારી આપી હતી. અને વ્યસન મુક્તિ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આજના જમાનામાં વ્યસન એવી બાબત છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મેળે સમજે તો જ પરિણામ મળે. જો કે તેઓએ એમ પણ કહ્યું હતું કે, કેન્સર થતું અટકાવવા શું કરવું જોઈએ અને કેન્સર વિરોધી રસીના પ્રચાર પ્રસાર માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ખોડલધામ મહિલા મંડળ દવારા એક ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કાર્યક્રમમાં જામનગરના લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયાએ કેન્સર સંબંધે વ્યસન મુક્તિ અંગે સંબોધન આપ્યું હતું.