વાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજય
પાટીલનું પાણી માપવાની વાત કરનાર ભાજપના બળવાખોર માવજી પટેલનું પણ પાણી મપાઈ ગયું
15 રાઉન્ડ સુધી લીડમાં રહેલી કોંગ્રેસ ભાભર તાલુકાના ઈવીએમ ખુલતા જ 2353 મતે હારી ગઈ
બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ ધારાસભા બેઠકની પેટા ચૂંટણીના આજે પરિણામો આવી જતાં કોંગ્રેસની કાંઠે આવીને ડૂબ્યા જેવી હાલત થઈ છે. મતગણતરીના પ્રારંભથી 15 રાઉન્ડ સુધીમાં 14 હજાર કરતા વધુ મતની લીડ મેળવનાર કોંગ્રેસના ગુલાબ સિંહ રાજપૂત 23 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થતાં 2436 મતે હારી ગયા હતા પરિણામે જેની હાર નિશ્ર્ચિત મનાતી હતી તે ભાજપના સ્વરૂપજી ઠાકોર રાખમાંથી બેઠા થયા હોય તેમ વિજેતા જાહેર થયા હતાં.
ટી-20 મેચની અંતિમ ઓવરો જેવા માહોલમાં મતગણતરી પૂર્ણ થઈ હતી. 14 રાઉન્ડમાં 14 હજારની લીડ થઈ જતાં કોંગ્રેસે વિજય સરઘસની તૈયારી કરી લીધી અને ગેનીબેન ઠાકોરે મતદારોનો આભાર પણ માની લીધો હતો. પરંતુ 16માં રાઉન્ડ બાદ ભાભર તાલુકાના ઈવીએમ ખુલતા આખી બાજી પલ્ટાઈ ગઈ હતી. અને ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હતાં.
આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું પાણી માપવાની વાત કરનાર માવજી પટેલનું પણ આ પેટા ચૂંટણીમાં પાણી મપાઈ ગયું છે. તેઓ 27,133 મત ખેંચી ગયા છે. પરંતુ ભાજપને હરાવી શક્યા નથી.
આજે મતગણતરી પૂર્ણ થતાં ભાજપના વિજેતા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 92129 મત, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89693 મત અને અપક્ષ માવતીભાઈ પટેલને 27183 મત મળ્યા હતાં જ્યારે ચોથા નંબરે નોટામાં 3358 મત પડ્યા હતાં. આ સિવાયના અન્ય સાત અપક્ષોને 468થી માંડી 2037 મત મળ્યા હતાં.
આ પેટા ચૂંટણીના પરિણામો પણ ટી-20 મેચની સુપર ઓવર જેવા રહ્યા હતાં. પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત લીડમાં જોવા મળ્યા હતાં. અન સતત 14 રાઉન્ડ સુધી આગળ રહ્યા હતા. 14 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ત્યારે કોંગ્રેસના ઉમેદવારને 14046 મતની લીડ હતી પરંતુ ત્યાર બાદ લીડ તુટવાનું શરૂ થયું હતું. અને ભાભર તાલુકાના ગામડાઓના ઈવીએમ ખુલતા જ કોંગ્રેસનીલીડ ધડાધડ તુટવા લાગી હતી. મત ગણતરીના 15, 16, 17, 18, 19, 20 અને 21માં રાઉન્ડમાં કોંગ્રેસની તમામ લીડ તુટી ગઈ હતી અને 22માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થતાં ભાજપના સ્વરૂપજી ઠાકરો 143 મતે આગળ નિકળી ગયા હતાં. જ્યારે 23 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપની લીડ 2346ની થઈ ગઈ હતી અને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતાં.
ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી, જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી.
સ્વરૂૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.
વાવ-થરાદ વિધાનસભાની બેઠક ઉપર 2022માં યોજાયેલ ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર 14 હજાર મતે જીત્યા હતા ત્યાર બાદ આવેલી લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાની બેઠક ઉપર ઉપરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા વાવ-થરાદ વિધાનસભા બેઠક ખાલી પડી હતી અને તેની ગત તા. 13 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 70.55 ટકા મતદાન નોંધાયું હતું. 2,19,266 મતદારોએ મતદાન કર્યુ હતું.
આજે પાલનપુર તાલુકા જગાણા ખાતેની સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી યોજાઈ હતી. કુલ 23 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી.