ગુજરાત વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ, 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે બીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી.
આજે કોંગ્રેસ દ્વારા ટૂંકી મુદતના પ્રશ્ન રદ્દ થવા બાબતે પ્રશ્ન ઉઠાવ્યા હતા આ સાથે જ તેમને સભામાં બેનરો સાથે દેખાવો કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વોક આઉટ કર્યું હતું ત્યારે બાદ વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમને એક દિવસ માટે ગૃહ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
ગુજરાત વિધાનસભાનાં ચોમાસું સત્રની શરૂઆત જ હોબાળા સાથે થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્યોની ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થતા જ અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ૧૮ જેટલા પ્રશ્નો રદ્દ થવા બાબતે અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. જેને લઈને અધ્યક્ષે જણાવ્યું હતું કે નિયમ વગર કામ ના કરી શકાય વિધાનસભાની કાર્યવાહી નિયમ મુજબ જ ચાલે છે હું તમને ચર્ચાનો સમય આપીશ.
જયારે કોંગ્રેસના પ્રશ્નો રદ્દ થતા જ ધારાસભ્યો દ્વારા બેનરો દર્શાવી વિરોધ કરાયો હતો. જેને લઈને વિધાનસભા અધ્યક્ષએ કહ્યું હતું કે પહેલેથી જ બેનર બતાવોએ યોગ્ય નથી. આ સાથે જ કોંગ્રેસે લોકશાહીની હત્યા બંધ કરોના સુત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. જયારે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.