For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાનના આગમન પૂર્વે કોંગ્રેસી નેતાઓ નજર કેદ

03:35 PM Aug 25, 2025 IST | Bhumika
વડાપ્રધાનના આગમન પૂર્વે કોંગ્રેસી નેતાઓ નજર કેદ

વિરોધ થવાની ભીતિથી ઉપાડી લેતી પોલીસ, સભાસ્થળે વોટર પ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયો, પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને નીકોલમાં સભા ગજવવાના છે. ત્યારે તેમના નિકોલ સભા કાર્યક્રમ પહેલાં જ, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી છે. ખરાબ રોડ-રસ્તાઓ અને વોટ ચોરીના મુદ્દે કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કરવાની કોંગ્રેસની યોજના હતી, પરંતુ તે પહેલાં પોલીસે કાર્યવાહી કરતા કોંગ્રેસ પ્રવક્તા નાગજી દેસાઈ સહિત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક, અને અન્ય નેતાઓને નજરકેદ કરાયા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નાગજી દેસાઈ સહિત અનેક નેતાઓની નરોડા, નિકોલ અને અન્ય વિસ્તારોમાંથી અટકાયત કરી નજરકેદ કરાયા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ અમિત નાયક, એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, અને પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલને નજરકેદ કરાયા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે, ત્યારે પ્રજાના અવાજથી ડરીને ભાજપ સરકાર સવાલોના જવાબ આપવાને બદલે પોલીસનો ઉપયોગ શા માટે કરી રહી છે?.

Advertisement

વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ આવશે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. ત્યાર બાદ સભા યોજશે, જેમાં 5477 કરોડના વિકાસ કાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે. જેને પગલે સમગ્ર નિકોલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ 26-27મે(2025)ના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. પીએમના આ કાર્યક્રમને લઈને કેટલાક માર્ગો પ્રતિબંધિત જાહેર કરી વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ પાર્કિંગ માટે AMCA AMDA પાર્ક એપમાં પાર્કિંગ સ્લોટ બુક કરવા માટે સ્ટેપ વાઇઝ સમજાવ્યું છે.

જે સ્થળે રોડ શોમાં નાગરિકો આવવાના છે તેમને ત્યાં બસ ઉતારી અને પાર્કિંગમાં જશે અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા પછી બસ તેમને નિયત કરેલા ઇન્ચાર્જ સ્થળ પર બોલાવશે જ્યારે સભામાં બસમાં આવેલા લોકોને સભાથી 100થી 200 મીટર દૂર ઉતારી દેવામાં આવશે જેથી લોકોએ સભા સ્થળ સુધી ચાલીને જવાનું રહેશે.
વરસાદની આગાહીને પગલે પીએમની સભા માટે વિશાળ વોટરપ્રૂફ જર્મનડોમ ઉભો કરવામાં આવ્યો છે. ગઈકાલે શહેરમાં નરોડા અને નિકોલ વિસ્તારમાં પડેલા એક ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. આ પીએમ મોદી નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે કરોડો રૂૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ જાહેરસભાને સંબોધવાના છે. આ પહેલા વરસાદને કારણે સભાસ્થળ બહાર કાદવ કીચડ થઈ ગયા હતા. તેમજ રોડ શોના રૂૂટ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કામે લાગ્યું હતું. ત્રણથી ચાર ડિવોટરીંગ પંપ અને મોટા જેટિંગ મશીનો મૂકીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પી.એમ.ના રૂટ ઉપર ખાડા ગાયબ, રોડ-રસ્તા ચકાચક
નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી દિવસ રાત રોડ અને ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે. ડીવાઈડરની વચ્ચે કલરકામ કરવામાં આવ્યું છે. નિકોલ ખોડીયાર મંદિરથી ઉમા વિદ્યાલય થઈને શુકન ચોકડી સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે. આંતરિક રસ્તાઓમાં પણ જ્યાં પણ નાના મોટા ખાડા અથવા તો રોડ ખરાબ હોય તેને નવો બનાવી દેવામાં આવ્યો છે. દિવસ- રાત જેસીબી મશીનો ડમ્પરો વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. નિકોલ વિસ્તારમાં તેમજ વડાપ્રધાનના રોડ શોના રૂટ ઉપર ઠેર ઠેર સફાઈ પણ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement