મોરબીમાં ગૃહમંત્રીને રજૂઆત કરે તે પહેલા કોંગ્રેસનાં અગ્રણીઓની અટકાયત
મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસ અગ્રણીઓને પોલીસે અટકાવીને અટકાયતમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરીને જીપમાં બેસાડતા કોંગ્રેસ અગ્રણીઓએ જતા જતા સરકાર અને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.
કોંગ્રેસે જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં અગાઉ જે અધિકારી સામે ગંભીર આક્ષેપો થયા હોય તેવા અધિકારીઓને મહત્વની શાખા અને પોલીસ સ્ટેશનની જવાબદારી સોપાઈ છે અને જે અધિકારી નિર્વિવાદીત કામ કરે છે. તેમજ બાહોસ અધિકારી છે. તેઓને સાઈડલાઈન કેમ કરવામાં આવે છે?
છેલ્લા એકથી દોઢ વર્ષમાં એસ.એમ.સી.ની ટીમ દ્વારા 10 થી વધુ રેડ કરવામાં આવેલ છે. જેમાં ગોડાઉન રેડ, પેટકોક, ચોરી, વિદેશી દારૂૂ મળી કરોડોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. જેમાં મોરબી જીલ્લા પોલીસની નિષ્ફળતા માટે માત્ર નાના અધિકારીઓને જ દંડવામાં આવે છે. પરંતુ જીલ્લાના મુખ્ય જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર એસ.પી. કે આઈ.જી. કયા કારણોસર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.મોરબી પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોથી માંડીને હાઈવે સુધીના રોડ ઉપર કોઈ ગંભીર ઘટના બન્યા બાદ જ પોલીસ ભારે વાહનો માટે ટ્રાફીક ડ્રાઈવ યોજે છે.
જે માત્ર આંકડાકીય માયાજાળ સમાન હોય, નકક્કર દૈનિક કામગીરી થવી જોઈએ તે થતી નથી.મોરબી જીલ્લામાં વ્યાજખોરોના આતંકનો તો જાણે રાફડો ફાટયો છે. લોકોને લાલચ આપી અને પોતાના ચક્રવ્યુહમાં ફસાવી ઉચા વ્યાજે પૈસા આપવા, ત્યારબાદ કડક ઉઘરાણીઓ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી પૈસા પડાવવા, જમીનો લખાવી લેવી જેવી અનેક ઘટનાઓ સામે આવેલ છે. અમુક લોકોએ આવી કડક ઉઘરાણી અને વ્યાજખોરોની દહેસતના કારણે આત્મહત્યાઓ પણ કરેલ છે. આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.