કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે અંતે માફી માગી
કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા મુસ્લિમ સમાજના ઉમેદવારો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેના કારણે તેના કારણે વિવાદ છેડાતા હવે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ દ્વારા માફી માંગવામાં આવી છે.
અમદાવાદના દરિયાપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે રાપર નગરપાલિકા ચૂંટણી પ્રચાર દરમિયાન રાપરના ધારાસભ્ય અને ભાજપના મુસ્લિમ ઉમેદવારો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ભાજપમાંથી લડી રહેલા મુસ્લિમ ઉમેદવારો તથા ધર્મગુરૂૂઓને તેમણે બનાવટી બાવા ગણાવ્યા હતા.
તેમજ તેમના માટે અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યુ કે, કેટલાક કહેવાતા મુસ્લિમ ધર્મગુરૂૂઓ થોડા ટુકડા માટે જાત વેચીને ભાજપના ગુલામ બની ગયા છે.
આ નિવેદનબાદ વિવાદ થતાં માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા માફી માંગી દીલગીરી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ અને ભાજપના મુસ્લિમ ઉમેદવાર વિશે જે નિવેદન આપ્યું હતુ તે બદલ તેમની માફી માંગી છે.
ગ્યાસુદ્દીન શેખે કહ્યુ કે, બંને પક્ષની રાજકીય વિચારધારા અલગ હોય શકે છે અને તે મુજબ પ્રચાર પ્રસાર થઈ શકે છે પરંતુ કોઈ પણ વ્યક્તિને અંગત રીતે ટાર્ગેટ કરીને નિવેદનો ના આપી શકીએ. હું હમેશા કોમી એકતા અને ભાઇચારામાં માનું છું આ વીડિયોના આધારે હું બંને લોકોની માફી માંગુ છું.