For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓરડીકાંડમાં કોંગ્રેસની ધબધબાટી, પોલીસે કરી ટીંગાટોળી

03:37 PM Mar 21, 2024 IST | Bhumika
ઓરડીકાંડમાં કોંગ્રેસની ધબધબાટી  પોલીસે કરી ટીંગાટોળી
  • ભ્રષ્ટાચારી કોર્પોરેટરો અને ટીપીના સ્ટાફ સામે ફોજદારી પગલાં ભરવા માગણી
  • એસ્ટેટ, વિજીલન્સની જવાબદારી પણ ફિક્સ કરો, મહાનગરપાલિકામાં હલ્લાબોલ, 22ની અટકાયત

રાજકોટના વોર્ડ નં. 5 માં આવતા મંછાનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની જમીન ઉપર ગેરકાયદેસર ઓરડીઓ બાંધી બારોબાર ભાડે આપી પૈસા કટકટાવાના મહિલા કોર્પોરેટરના પતિ સહિતના કેટલાક લોકોનો કાંડ બહાર આવતા કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે અને આજે મહાનગરપાલિકાની કચેરીમાં શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓએ ઓરડીકાંડ મુદ્દે ધબધબાટી બોલાવતા પોલીસે કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરી હતી અને 22 આગેવાનોની અટકાયત કર્યા બાદ છોડી મુક્યા હતાં. આજે કોંગેસના હલ્લાબોલથી કોર્પોરેશન કચેરીમાં ભારે દેકારો મચીજવા પામ્યો હતો અને થોડો સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયુ હતું.

Advertisement

કોંગ્રેસે આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી જણાવેલ છે કે વોર્ડ નં. 5 ના મંછાનગરમાં મની અને મસલપાવર તથા ક્ષતાના જોરે શાસકપક્ષના નગરસેવકો અને તેના પરિવાર જનો દ્વારા કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી મકાનો બાંધી વર્ષોથી ભાડાની રકમ ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવી રહી છે. આ એક ગંભીર પ્રકારનો ગુનો છે અને રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને લાખો રૂપિયાનું નુક્શાન થવા પામ્યું છે. આ સાથે ગેરકાયદેસર મકાનો બનાવી વેચાણ કરવાની ગુનાહિતો પ્રવૃતિને પણ અંજામ આપવામાં આવ્યો હોય સમગ્ર ઘટના અંગે ન્યાય અને તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનમાં કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા સમગ્ર વોર્ડમાં ફીલ્ડવર્ક કરતા અધિકારીઓ અને કર્મચારીઓની પણ ગંભીરબેદરકારી બહાર આવી હોય તેમની સામે પણ ખાતાકીય તેમજ ફોજદારી પગલા ભરવા માંગણી કરવામાં આવી છે. સાથો સાથ દબાણ હટાવ શાખા અને રાંદરડા તળાવ વિસ્તારમાં વીજીલન્સ સુરક્ષાની જવાબદારી સંભાળતી એજન્સીઓની પણ જવાબદારી ફીક્સ કરવા અને પગલા ભરવા માંગણી કરાઈ છે.

Advertisement

સમગ્ર પ્રકરણની તપાસ સીધી જ મ્યુનિસિપલ કમિશનરની દેખરેખ હેઠળ કરી રોજે રોજની કાર્યવાહીની વિગતો જનતા સમક્ષ મુકવા આવેદનમાં રજૂઆત કરાઈ છે. ઉપરાંત આ ઘટનામાં ભાજપના ઈશારે શાસકપક્ષના નગરસેવકોને બચાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોય તે પ્રકારે અન્ય મળતિયાઓના નામ સામેલ કરવા વિચાર થઈ રહ્યાના પણ આક્ષેપ કરેલ છે. આવેદનમાં જણાવેલ છે કે, સમગ્રકાંડમાં કોર્પોરેટરના પતિના નામનો પણ ઉલ્લેખ થયેલ છે. ત્યારે ફરિયાદીના મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો લઈ દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.આ રજૂઆત સમયે કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી ઉપરાંત પ્રદેશ મહામંત્રી મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી, યશવંતસિંહ ભટ્ટી, દિનેશ મકવાણા, કોર્પોરેટર વસરામભાઈ સાગઠિયા, હાર્દિકસિંહ પરમાર વિગેરે જોડાયા હતાં. પોલીસે ઉપરોક્ત આગેવાનો મળી 22ની અટકાયત કરી હતી.

  • મંછાનગરમાં ઓરડીઓ ભાડે આપી ‘મલાઈ’ તારવનારા આઠ શખ્સોના નામ ખુલ્યા
  • વિરમ ગોલતરે સૌથી વધુ 9 ઓરડી ભાડે આપી, છેલો, મુમૈયા સહિત 8 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની અરજી

શહેરના મંછાનગર વિસ્તારમાં કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઓરડીઓ ખડકી બારોબાર ભાડે આપી વર્ષોથી ભાડા ઉઘરાવવાના કાંડમાં મહિલા કોર્પોરેટરના પતિ વિરમ ગોલતર સહિત 8 શખ્સોના નામ બહાર આવતા આ આઠેય શખ્સો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેન્ડગ્રેબીંગ હેઠળ અરજી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મંછાનગરમાં વિરમ નાગજીભાઈ ગોલતરે સૌથી વધુ 9 ઓરડી સરકારી જમીન ઉપર બનાવી બારોબાર ભાડે આપી દીધી હતી. આ ઉપરાંત છેલા કાળા મકવાણા અને મુમૈયા બાપાએ 4-4, સંજય ગોવિંદ ગમારાએ 3, ધીરજ ઓધન સરસૈયાએ-3, આલા ભગવાન ટોળિયાએ-3, ધનજી નાથા ગોહિલે-3, કમલેશ પાંચા ફાંગલિયાએ-2 અને સંજય ગોવિંદ ગમારાએ 3 ઓરડી બનાવી વર્ષોથી ભાડા કટકટાવતા હોવાનું બહાર આવવા પામ્યું છે.

આ શખ્સો બારોબાર ઓરડીઓ ભાડે આપી દર મહિને રૂા. 500થી માંડી 2000 સુધીના ભાડા ઉઘરાવતા હોવાનું કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન બહાર આવેલ છે. હવે આ પ્રકરણમાં આ આઠ શખ્સો સામે લેન્ડગ્રેબીંગની ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ તપાસ બાદ તમામની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement