રાજકોટમાં અમિત શાહની હાજરીમાં સંમેલન, ખેડૂતો ઉમટી પડ્યા
ડિસ્ટ્રિક્ટ બેંક, રાજકોટ ડેરી સહિત સાત સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં સહકારી મેળાવડા જેવો માહોલ
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આજે બપોરથી રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, રાજકોટ ડેરી સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને ખેડૂત સંમેલનનો કેન્દ્રીય સહકારીતા તંત્રી અમિત શાહની હાજરીમાં પ્રારંભ થયો છે. સમગ્ર જિલ્લામાંથી આશરે 50 હજાર ખેડૂતો ઉમટી પડતા રાજકોટમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.
જિલ્લાના સહકારી નેતા જયેશ રાદડિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપ્યા બાદ બપોરે રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 તારીખને રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ પરથી અમિત શાહ સીધા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાત્રિ ભોજન લીધું હતું. આ ભોજન દરમિયાન મંત્રીઓ અને પક્ષના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. જે બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું.
અમિત શાહ અંદાજે બપોરે 2 વાગ્યે હિરાસર એરપોર્ટ પર પહોંચી ત્યાંથી તેઓ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા સહકારી બેંક અને અન્ય 7 સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જાહેર સભાને સંબીધો હતી. આ સમગ્ર રૂૂટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી હેતલ પટેલ અને ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા તેમજ કુલ 12 એસીપી, 20 પીઆઈ, 70 પીએસઆઈ, 589 પોલીસ જવાન, 110 મહિલા પોલીસ, 450 હોમગાર્ડ, 405 ટીઆરબી જવાનો ફરજ પર તૈનાત છે.