For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકાર અને કર્મચારી યુનિયનો વચ્ચે સમાધાનની બેઠક નિષ્ફળ

03:48 PM Sep 10, 2024 IST | Bhumika
સરકાર અને કર્મચારી યુનિયનો વચ્ચે સમાધાનની બેઠક નિષ્ફળ
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે જ વિવિધ પડતર માગણીઓને લઇને રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 17 સપ્ટેમ્બરે પેન ડાઉન સાથે સરકારી કામગીરીના બહિષ્કારના કાર્યક્રમનું એલાન અપાતા સરકારી તંત્ર દોડતું થયું છે. સોમવારે સાંજે કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચાના સંલગ્ન મંડળોના પ્રતિનિધિઓ સાથે મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓએ લાંબી મીટીંગ યોજી હતી પરંતુ ફળદાયી નિવડી ન હતી. જોકે, સરકાર દ્વારા કર્મચારી અગ્રણીઓ સાથે આગામી સમયમાં ફરી બેઠક યોજી સમાધાન માટે પ્રયાસો કરાશે.
કર્મચારી મંડળોના અગ્રણીઓ સાથે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના મંત્રીઓ જગદીશ વિશ્વકર્મા, પ્રફુલ્લ પાનસેરિયા અને બચુભાઇ ખાબડ વિગેરેએ બેઠક યોજી હતી. અગ્રણીઓના જણાવ્યા મુજબ નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મહામંડળની મુખ્ય માગ તમામ સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પધ્ધતિની સંપૂર્ણ નાબૂદીની છે. વિવિધ મુદ્દે હકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઇ હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.

2022માં થયેલા સમાધાનની વિગતો તેમજ આવેદનપત્રમાં રજૂ કરાયેલા ખાતાકીય પરીક્ષા અને પગાર પંચના બાકી લાભ સહિત કુલ 10 જેટલા પડતર મુદ્દા સરકાર સમક્ષ અગ્રણીઓ દ્વારા રજૂ કરાયા હતા. સરકાર દ્વારા તેનું ઝડપી નિરાકરણ આવશે તેવી હૈયાધારણ આપવામાં આવી હતી. જો કે સરકારે કોઇ ખાતરી ન અપાતા આંદોલન પાછું ખેંચવાની જાહેરાત મહામંડળે કરી ન હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આગામી તા.16 અને 17 દરમિયાન વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તા.17ના રોજ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. તે જ દિવસે કર્મચારીઓએ પેનડાઉન આંદોલનની જાહેરાત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement