રાજકોટના તત્કાલિન PI સહિત બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ
સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ તાત્કાલિક અસરથી કરાયેલ હુકમ
ગુજરાત સરકારે ઓપરેશન ગંગાજળ હેઠળ રાજકોટનાં તત્કાલીન પીઆઈ અને સીઆઈડી ક્રાઈમના પીઆઈ સામે ખાસ મિશન હેઠળ તાત્કાલીક એકશન લઈ આ બન્ને અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપીને ઘર ભેગા કરી દીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા ઘણા સમયથી ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એકશન લઈ આવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ઘરભેગા કરવાનું મિશન શરૂ કર્યું છે.
જેનું ંનામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે. દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા આવા અધિકારીઓ સામે સરકારના તમામ વિભાગોને તપાસ કરીને આ અંગેનો રિપોર્ટ આપવા કરેલા આદેશને પગલે ગૃહ વિભાગ દ્વારા આજે બે પીઆઈને ફરજિયાત નિવૃત્તિનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં અગાઉ રાજકોટ બી-ડીવીઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતાં અને હાલ અમદાવાદ શહેરમાં પીઆઈ તરીકે કાર્યરત એવા વી.જે.ફર્નાન્ડીસ અને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને રેલવેમાં ફરજ બજાવતાં પીઆઈ એમ.વી.બતુલને તાત્કાલીક અસરથી સરકારી સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યા છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતાં 150 થી વધુ ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે.
યાદીની સમીક્ષા કરીને તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે. અગાઉ સરકારે સરદાર સરોવર, નર્મદા નિગમ તેમજ મહેસુલ વિભાગ સહિતનાં વિભાગોમાં ફરજ બજાવતાં ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરી દીધા છે. પોતાની સત્તાનો ગેર ઉપયોગ કરીને લાભ ઉઠાવતાં અને ભ્રષ્ટાચાર કરતાં આવા અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ સુત્રોએ જણાવ્યું છે.