સોની વેપારીને ધંધામાં ખોટ જતાં ભાગીદારે 3 કરોડની ઠગાઈ આચર્યાની અફવા ફેલાવી બદનામ કર્યાની ફરિયાદ
દક્ષિણ આફ્રિકામાં ભાગીદારીમાં કરેલા ધંધામાં ખોટ જતાં ભાગીદારે અખબારોમાં છેતરપિંડી કર્યાની અફવા ફેલાવી ખૂનની ધમકી પણ આપી
શહેરના યુનિવર્સિટી રોડ પર કર્મચારી સોસાયટીમાં રહેતા સોની વેપારીએ ભાગીદારીમાં દક્ષિણ આફ્રિકામાં કરેલા ધંધામાં ખોટ જતાં ભાગીદાર દંપતિ સહિત ત્રણ શખ્સોએ તેના વિરૂધ્ધ અખબારોમાં રૂા.3 કરોડની છેતરપીંડી કર્યાની અફવા ફેલાવી સામાજિક પ્રતિષ્ઠાને બદનામ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે દંપતિ સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કર્મચારી સોસાયટી શેરી નં.3માં રહેતા હિતેશભાઈ ચીમનભાઈ સાગર (ઉ.47) નામના સોની વેપારીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યુનિવર્સિટી રોડ પર સિલ્પન નોવામાં રહેતા જયેશ પ્રાણલાલ ધકાણ તેની પત્ની એકતા અને જયેશભાઈના વેવાઈ ચિરાગભાઈનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓએ તેમના મિત્ર જયેશ પ્રાણલાલ ધકાણ સાથે દક્ષિણ આફ્રિકા ખાતે તેના બીઝનેસમાં રોકાણ કરવા પૈસાની ભાગીદારી કરી હતી. જેથી ભાગીદાર જયેશે રૂા.60 લાખનું રોકાણ તેમના ધંધામાં કર્યુ હતું. ત્યારબાદ ધંધામાં નુકસાન ગયું હતું.
જેથી ગત તા.11-1નાં રાત્રિના આરોપી જયેશભાઈ અને તેની પત્ની તથા તેના પુત્રવધૂ ઘરે આવી ધંધામાં ગયેલા નુકસાનનું વળતર માંગી ઝઘડો કર્યો હતો. જે બાબતે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઉપરાંત આ શખ્સો પૈસાની ઉઘરાણી કરવા માટે અવારનવાર ફોન કરતાં હતાં. આ ઉપરાંત આરોપીઓએ અલગ અલગ અખબારોમાં તેમના વિરૂધ્ધ રૂા.3 કરોડ રૂપિયાની દક્ષિણ આફ્રિકામાં ધંધો કરવાના બહાને છેતરપીંડી કરેલી છે તેવી અફવા ફેલાવી બદનામી કરી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડયું હોય તથા સોશ્યલ મીડિયામાં અમોએ છેતરપીંડી કરી છે તેવી વાતો ફેલાવતા હોય જેથી તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં યુનિવર્સિટી પોલીસે આરોપી દંપતિ અને તેના વેવાઈ વિરૂધ્ધ સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.