જેતપુરના ચાંપરાજપુર ગામે કારખાનું પચાવી પાડનાર ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
રાજકોટ જિલ્લામાં કિંમતી જમીનો પચાવી પાડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી લેન્ડગ્રેબીંગ કમિટીમાં ત્રણ અરજી પર પુરાવાના આધારે ગુનો દાખલ કરવાના આદેશ આપ્યા છે ત્યારે કલેક્ટરના હુકમથી જેતપુર તાલુકા પોલીસે ચાપરાજપુર ગામે આવેલ કિંમતી જમીન સાથેનું કારકાનું પચાવી પાડવા અંગે ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના ખોળાપર વિસ્તારમાં રહેતા બાવેશ વસંતભાઈ કબીર ઉ.વ.47 નામના બાવાજી પ્રૌઢે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચાપરાજપુર ગામે રહેતા કાળુભાઈ રાવતભાઈ બસિયા, રિતુભાઈ કાળુભાઈ બસિયા અને મંગળુભાઈ નાગભાઈ બસિયાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 1964માં ફરિયાદીના પિતા વસંતભાઈ કબીર અને અન્ય 8 ભાગીદારોએ ચાંપરાજપુર ગામે સર્વે નં. 109 પૈકીની 1099 ચો.મી. જમીન ખરીદી તેમાં સૌરાષ્ટ્ર ટ્રેડીંગ કંપની નામની ફેક્ટ્રી સરૂ કરી હતી. આ ફેક્ટ્રીમાં રાવતભાઈ રાણીંગભાઈ બસિયા મજુરી કામ કરતા હતાં.
1971માં આ કારખાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને કારખાનાનું રખોપુ કરવા રાવતભાઈ રાણીંગભાઈ બસિયાને આપ્યું હતું જેમાં રાવતભાઈ તેના પરિવાર સાથે કારખાનામા રહેશે તેનું કોઈ ભાડુ લેવામાં નહીં આવે તેઓ આ કારખાનાનું ધ્યાન રાખશે જે અંગેનું લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. 1998માં રાવતભાઈનું અવસાન થયા બાદ તેના પુત્ર કાળુભાઈ સહિતના શખ્સોએ કારખાનાના તાળા તોડી તેના પર પોતાનો કબ્જો કરી લીધો હતો.
આ અંગે ફરિયાદીએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરતા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ કારખાનાનો કબ્જો કરી લેનાર ત્રણેય શખ્સો સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કરતા જેતપુર તાલુકા પોલીસે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ ડીવાયએસપી આર.એ. ડોડિયા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.