બોગસ જાતિ પ્રમાણપત્ર મામલે સસ્પેન્ડ મહિલા અધિકારી સામે વેરાવળમાં ફરિયાદ
બોગસ જાતિ પ્રમાણપત્ર મામલે સસ્પેન્ડ થયેલા વેરાવળના રહીશ એવા મહિલા અધિકારી સામે વેરાવળમાં ગુનો દાખલ કરાયો છે. વેરાવળ મામલતદાર દ્વારા વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. ગાંધીનગર કાયદા વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે પ્રમોશન મળ્યા બાદ ડોક્યુમેન્ટની ચકાસણીમાં ભાંડો ફૂટતાં કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગરમાં કાયદા વિભાગના તત્કાલીન ઉપસચિવ લક્ષ્મીબેન કટારીયા 2014-15માં જીપી એસ સીની પરીક્ષાના પરિણામ અને વેરાવળ મામલતદાર દ્વારા આપવામાં આવેલ જાતિ પ્રમાણપત્રના આધારે અનુસૂચિત જનજાતિ વર્ગમાં નિમણૂંક પામ્યા હતા. જે બાદ અનુસૂચિત જનજાતિના પ્રમાણત્રની ખરાઈને આધીન પ્રમોશન આપવામાં આવ્યું હતુ. વિભાગીય વિશ્ર્લેષણ સમિતિ, ગાંધીનગર-2ના હુકમ મુજબ લક્ષ્મીબેન કટારિયાએ તેમને 19/08/2006ના રોજ તત્કાલીન મામલતદાર, વેરાવળ દ્વારા અપાયેલ જાતિ પ્રમાણપત્રનો ઉપયોગકરી બઢતી મેળવી હતી. પરંતુ પુન: તપાસ દરમ્યાન આ પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત થયું હતું. સમિતિએ સુપ્રીમ કોર્ટના 1994ના માર્ગદર્શક ચુકાદા તથા વિવિધ કાયદાકીય દસ્તાવેજોના આધારે તેમને અપાયેલ એસ.ટી. પ્રમાણપત્ર રદ કરવાની ભલામણ કરી હતી, જેને અનુસરતા રાજ્ય સરકારે તેઓને ફરજ પરથી તાત્કાલિક અસરથી મુક્ત કર્યા છે.
લક્ષ્મીબેનકટારીયાએ રજૂ કરેલ જાતિનું પ્રમાણપત્ર વેરાવળ મામલતદાર દ્વારા ગત 16મી મેના રોજ રદ્દ કરવામાં આવ્યું હતું. જેના આધારે સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા લક્ષ્મીબેન કટારિયાની સેવાઓને તાત્કાલિક અસરથી અંત લાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ નિમણૂંકને આધિન તેમણેે ભોગવેલા અને મેળવેલા લાભો પણ પાછો ખેંચવાનો હુકમ કર્યો છે. વેરાવળ શહેર મામતલદાર જેઠાભાઇ નાથાભાઈ શામળા દ્વારા લક્ષ્મીબેન સરમણભાઈ કટારીયા (રહે.નવા રબારી વાડા, વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, હાલ ગાંધીનગર) વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ અનુસુચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ (જાતિ પ્રમાણપત્રો કાઢી આપવાનુ અને તેની ખરાઇ કરવાનુંનિયમન કરવા ) બાબત અધિનિયમ 2018ની કલમો 12 (1) (ચ), 12(1)(મ) મુજબ ફરિયાદનોંધાવવામાં આવી છે