ભાજપ સાથે સ્પર્ધા કરો અંદરો અંદર નહીં, 10 દિવસમાં ગ્રાઉન્ડ રિપોર્ટ આપો
ગુજરાતના ગઢને જીતવા રાહુલ ગાંધી એકશનમાં, આજે મોડાસામાં કાર્યકરોને સંબોધન
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ગઢ જીતવા માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. ગુજરાતમાં યોજેલા સંમેલનના છ દિવસ પછી રાહુલ ગાંધી ફરીથી અમદાવાદ પહોંચ્યા. રાહુલ ગાંધીએ GPCC કાર્યાલયમાં નિયુક્ત નિરીક્ષકોને સંબોધિત કર્યા છે. આ બેઠકમાં રાહુલ ગાંધીએ તેમને પહેલું કામ સોંપ્યું છે અને 10 દિવસનો સમય આપ્યો છે. રાહુલે સ્પષ્ટ કહ્યું છે કે આપણે ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે અંદરોઅંદર નહીં, કોંગ્રેસમાં ચાલતા જૂથવાદને નાબૂદ કરી દેવાનો તેમને સ્પષ્ટ સંકેત આપ્યો છે.
ગુજરાતના ગઢને જીતવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અમદાવાદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી બુધવારે અરવલ્લી જિલ્લામાંથી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે સંગઠન નિર્માણ અભિયાન શરૂૂ કરશે. રાહુલ ગાંધીએ અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે એક ઓરિએન્ટેશન મીટિંગ યોજી હતી. જેમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને 183 રાજ્ય કોંગ્રેસ કમિટી PCC) ના નિરીક્ષકો હાજર રહ્યા હતા. આ બધા નિરીક્ષકોની નિમણૂક 12 એપ્રિલે AICC દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ પહોંચ્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી સભાને સંબોધિત કરી.
રાહુલ ગાંધીએ નિયુક્ત પર્યવેક્ષકોને આગામી 10 દિવસમાં તેમને સોંપાયેલ જિલ્લાનો અહેવાલ સોંપવા જણાવ્યું છે. જેથી સંબંધિત જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરી શકાય અને નવા જિલ્લા પ્રમુખની નિમણૂક કરી શકાય. કોંગ્રેસે દરેક જિલ્લા માટે એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાત નિરીક્ષકોની ટીમ બનાવી છે. નિરીક્ષકો પોતાના અહેવાલમાં સંપૂર્ણ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે પરંતુ આઠ મુખ્ય શહેરો છે. આવી સ્થિતિમાં, શહેરી વિસ્તારના પ્રમુખ અલગ હોય છે અને ગ્રામીણ વિસ્તારના પ્રમુખ અલગ હોય છે. આવી સ્થિતિમાં કુલ 41 પ્રમુખોની નિમણૂક કર્યા પછી, પાર્ટી સંગઠનને મજબૂત બનાવવાનું કામ શરૂૂ કરશે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના મતે આ નિરીક્ષકો સ્થાનિક નેતૃત્વને ઓળખવામાં અને પસંદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાહુલ ગાંધી પોતે તેમની સાથે વાતચીત કરશે અને નેતૃત્વની અપેક્ષાઓ અને કોંગ્રેસનું વિઝન શેર કરશે. આજે રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પહોંચશે, જ્યાં તેઓ પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે અને આ પાયલોટ પ્રોજેક્ટનો ઔપચારિક પ્રારંભ કરશે. આ પ્રોજેક્ટને અન્ય રાજ્યોમાં પણ સંગઠનાત્મક સુધારા માટેના એક મોડેલ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ગોહિલે જણાવ્યું હતું કે, AICC દ્વારા નિયુક્ત નવ સભ્યોની સમિતિએ જિલ્લા એકમોને મજબૂત કરવા અને તેમના પ્રમુખોને વધુ સત્તા આપવાની ભલામણ કરી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ ભલામણોને મંજૂરી આપી છે. મારી વિનંતી પર પાર્ટીએ ગુજરાતમાં આ ભલામણોના અમલીકરણ માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે.
મોડી રાત્રે કોર કમિટી સાથે બેઠક યોજી પ્રદેશ નેતાઓને આપ્યો ટાસ્ક
રાહુલ ગાંધીએ નિરીક્ષકો સાથેની બેઠક બાદ મંગળવારે મોડી સાંજે સર્કિટ હાઉસમાં પ્રદેશની કોર કમિટી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 2027માં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પ્રદેશના નેતાઓને ટાસ્ક સોંપવા પર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય નેતૃત્ત્વ દ્વારા નક્કી કરાયેલા નેતાઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓની કામગીરીની સમીક્ષા કરી ભૌગોલિક સ્થિતિ મુજબ જવાબદારી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
45 દિવસમાં તમામ જિલ્લા પ્રમુખોના નામ ફાઈનલ કરાશે
એક અલગ પાંચ સભ્યોનું જૂથ 41 જિલ્લા એકમોમાંના દરેક માટે નવા જિલ્લા એકમોના વડાઓની નિમણૂકની પ્રક્રિયા પર દેખરેખ રાખશે. આવા એક જૂથમાં એક AICC નિરીક્ષક અને ચાર PCC નિરીક્ષકોનો સમાવેશ થાય છે, તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં સમગ્ર પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસે દેશભરમાં પસંગઠન સર્જનથ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ 9 એપ્રિલે પાર્ટીના અમદાવાદ અધિવેશનમાં કહ્યું હતું કે જિલ્લા પ્રમુખોને સંગઠનનો પાયો બનાવવામાં આવશે.