ચાર દિવસમાં ભાજપના બે નેતાના આપઘાતથી ખળભળાટ
કરજણ APMCના વાઇસ ચેરમેનનો આપઘાત:ભાજપના નેતા રજની પટેલે ઝેરી દવા પી લીધી હતી
રજની પટેલ અને સુનિલ પટેલ સહિત એપીએમસીના સભ્યો તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા
વડોદરા જિલ્લાની કરજણના રજની પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, 9મી જુલાઇએ કોઠાવ ગામના મહિલા સરપંચના પતિ દવા પીને આત્મહત્યા કરી હતી. ત્યારે આજે ગામના ડેપ્યુટી સરપંચ અને કરજણ APMCના વાઇસ ચેરમેને આપઘાત કરતાં કંઈક શંકાસ્પદ હોવાનું ચર્ચાઓ ચાલી રહી છે.તાજેતરમાં જ રજની પટેલ અને સુનિલ પટેલ સહિત કરજણ એપીએમસીના સભ્યો જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ બંનેએ ચાર દિવસના ગાળામાં જ આપઘાત કરી લીધા છે.
કરજણ APMCના વાઇસ ચેરમેન રજની પટેલે કરજણ તાલુકાના કોઠાવ ગામમાં આવેલા તેમના ઘરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને તાત્કાલિક કરજણ લાવવામાં આવ્યા હતા અને કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતા. જેને પગલે કરજણ પોલીસ હોસ્પિટલમાં દોડી ગઇ હતી અને રજની પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી શરૂૂ કરી છે.
રજની પટેલ છેલ્લા એક વર્ષથી કરજણ APMCમાં વાઇસ ચેરમેન હતા, અને ભાજપના નેતા હતા. તેઓએ અચાનક આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમના સમર્થકોમાં શોકનું મોજુ ફરી મળ્યું છે. રજની પટેલ છેલ્લા 15 વર્ષથી ભાજપમાં સક્રિય હતા, તેઓ હાલ પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય છે. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. રજની પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. કરજણ પોલીસે આપઘાતનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.વડોદરા સહિત રાજ્યભરમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોઠાવ ગામમાં રહેતા ભાજપના નેતા અને કરજણ APMCના વાઇસ ચેરમેન રજની પટેલે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે અને તેઓએ કયા કારણોસર આપઘાત કર્યો એની ચર્ચાએ જોર પકડ્યું છે.