કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાવાની શક્યતા મજબૂત બની: મોદી કેબિનેટે ભારતની બિડને મંજૂરી આપી
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે ભારત હવે 2030ના CWGની યજમાની માટે સજ્જ થઈ ગયું છે. સરકારે આ આયોજન માટે અમદાવાદને આદર્શ શહેર ગણાવતાં કહ્યું છે કે, અહીં વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અદ્યતન ટ્રેનિંગ સુવિધાઓ અને રમતનો જુસ્સો છે.
ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાની મળવાની શક્યતા વધી ગઈ છે. મંત્રીમંડળે સંબંધિત મંત્રાલયો અને વિભાગોને યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે. તેમજ બિડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને આવશ્યક ગ્રાન્ટ-ઇન-એઇડ આપવા પણ મંજૂરી આપી છે.
ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશને (IOA) અગાઉ 13 ઑગસ્ટના રોજ સત્તાવાર ધોરણે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આઇઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે. હવે ભારતે 31 ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. નવેમ્બરના અંતમાં નક્કી કરવામાં આવશે કે તેને યજમાની મળશે કે નહીં.