અગ્નિકાંડમાં કમિશનર જવાબદારીમાંથી છટકી શકે નહીં!
કામનું ભારણ અને પાવર ડેલિગેટ કર્યા હોય તો પણ તેની જવાબદારી બને છે: હાઇકોર્ટમાં પ્રિન્સી.સેક્રેટરીનું સોગંદનામુ
રિપોર્ટ ખુલ્યા વગર મીડિયામાં બન્ને તત્કાલિન કમિશનરોને કલીનચિટના અહેવાલો અંગે વ્યકત કરેલી નારાજગી, ગંભીર ટકોર
બંજિ જમ્પિંગ અને સ્લાઇડિંગ રાઇડ્સ અંગે હાઇકોર્ટે વ્યકત કરેલી ચિંતા, 9 ઓગસ્ટે થશે વિશેષ સુનાવણી
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અંગે આજે હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસની ડિવીઝન બેંચ સમક્ષ સુનાવણી નીકળતા આ અગ્નીકાંડમાં રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપિલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાને ફેકટ ફાઇન્ડિંગ કમિટીએ કલિનચીટ આપી દીધાના અહેવાલો અંગે હાઇકોર્ટે સવાલો કરતા સરકારી વકીલે આવા સમાચારો આપવા અંગે અજાણતા વ્યક્ત કરી હતી.
ગત તા.13 જુનના રોજ ફેકટ ફાઇન્ડિંગ કમિટીને આપેલા આદેશ અનુસંધાને આજે પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડમાં મ્યુનિસિપલ કમિશનર સુપરવાઇઝરી જવાબદારીમાંથી છટકી શકે નહી. કમિશ્નર પર કામનું ભારણ હોય અને પાવર ડેલીગેટ કર્યા હોય તો પણ અંતે જવાબદારી તેની બને છે.
દરમિયાન બન્ને મ્યુ.કમિશનરોને કિલનચીટ અપાયાના અહેવાલો અંગે હાઇકોર્ટે સરકારી વકીલને પુછતા તેમણે સરકાર દ્વારા આવા કોઇ સમાચાર આપવામાં નહીં આવ્યાનું જણાવતા હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, જેણે રિપોર્ટ જોયો નથી એ ન્યુઝ પેપરમાં લખે છે. અન્ય વકીલોએ પણ પોતાને હજુ સુધી રિપોર્ટ મળ્યો નહીં હોવાનું જણાવતા હાઇકોર્ટે તમામ પક્ષકારોના વકીલોને રિપોર્ટ આપવા અને અઠવાડીયામાં હાઇકોર્ટ સમક્ષ જવાબ રજુ કરવા જણાવ્યું હતું.
હાઇકોર્ટ સમક્ષ સરકારે ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક અંગે નિયમો ઘડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે જુદી જુદી ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને તબક્કાવાર લાયસન્સની પણ જોગવાઇ કરવામાં આવી છે.
આ તમામ બાબતોમાં દેખરેખ માટે વિશેષ કમિટીની પણ રચના કરવા કોર્ટે નિર્દેશ આપ્યા હતા તેમજ બંજી જમ્પિંગ તથા સ્લાઇડિંગ રાઇડસ અંગે ચિંતા વ્યકત કરી હતી. આ તમામને નિયંત્રિત કરવા જણાવતા એડવોકેટ જનરલે આ અંગે ખાતરી આપી હતી તેમજ ગેમઝોન સંચાલકોને લાયસન્સ બાદ જ મંજુરી અપાશે તેમ જણાવ્યું હતું.
હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે દરેક ઘટનાઓમાં કલેકટરને જ જવાબદાર માનવા યોગ્ય નથી અન્ય દરેક અધિકારી અને જવાબદાર વ્યક્તિને પણ તેની જવાબદારીનો ખ્યાલ અને જાગૃતિ હોવી જરૂરી છે.રાજકોટમાં ફાયર વિભાગના મહત્વના હોદા પણ ખાલી હોવાનું હાઇકોર્ટે નોંધી ભરતી બાદ અધિકારીઓની ટ્રેનીંગ અંગે પણ ટકોર કરી હતી અને દરેક અધિકારીને ટ્રેનીંગ આપવા જણાવ્યું હતું.
હાઇકોર્ટે આગામી તા.9 ઓગસ્ટે વધુ સુનાવણી રાખી ફાયર વિભાગના ઇન્ફાસ્ટ્રકટર અને મેન પાવરની વિગતો રજુ કરવા સુચના આપી તેમજ ગેમઝોન પીડીતો અને ફેકટ ફાઇન્ડિંગ કમીટીના રિપોર્ટ ઉપર સુનાવણી કરવા નકકી કર્યું હતું.