ટ્રાફિક શાખાની પ્રશંસનીય કામગીરી
બીજા માળેથી પટકાઈ પડેલી બે વર્ષની ઇજાગ્રસ્ત બાળકીને ત્વરિત સારવાર માટે પહોંચાડવા ટ્રાફિક જીપની મદદ લેવાઇ
જામનગર ના સમર્પણ સર્કલ પાસે બે વર્ષની ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની રાહ જોઈને ઉભી રહેલી મહિલાને તાત્કાલિક શહેરની ટ્રાફિકની જીપમાં બેસાડી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સમયસર સારવાર આપવામાં મદદ કરી હતી. જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ગ્રીનવિલા સોસાયટીમાં રહેતી દિપાલી અલ્પેશભાઈ જીલીયા નામની બે વર્ષની બાળકી કે જે પોતાના ઘેર પ્રથમ માળે થી પટકાઈ પડી હતી, અને તેણી ઇજાગ્રસ્ત બની હોવાથી બાળકીને તેની માતા તાત્કાલિક નાઘેડી થી સારવાર માટે રિક્ષામાં બેસીને સમર્પણ સર્કલ પાસે ઉતરી હતી. જ્યાં 108 ની એંબ્યુલન્સ આવી રહી છે.
તેમ જણાવતાં તેણી ઇજાગ્રસ્ત બાળકી ને સારવાર મેળવવા માટે રાહ જોઈને ઉભી હતી. દરમિયાન ત્યાં હાજર રહેલી જામનગર શહેરની ટ્રાફિક શાખાની ટીમનું ધ્યાન પડતાં ટ્રાફિક શાખાના પીએસઆઇ આર.એલ. કંડોરીયા, તેમજ સ્ટાફના મનોહરસિંહ ઝાલા પાયલોટ વિજયભાઈ ચૌહાણ વગેરે તુરતજ ઈજાગ્રસ્ત બાળકી ને તેની માતાને પોલીસની સરકારી ટ્રાફિક જીપમાં બેસાડ્યા હતા, અને તાત્કાલિક અસરથી જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકીનો કેસ કઢાવીને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટેની મદદ કરી હતી, અને બાળકીને સમયસર સારવાર પણ મળી ગઈ હતી. જેથી ટ્રાફિક શાખા ની ટીમનો ઇજાગ્રસ્ત બાળકીની માતાએ આભાર માન્યો હતો.