અંબાજીમાં સાત દિવસના ભાદરવી મહાકુંભનો પ્રારંભ
પ્રથમ દિવસે જ હજારો માઇભક્તો ઊમટી પડતા અવ્યવસ્થા સર્જાઇ
સમગ્ર મંદિર પરિસર અને શહેર આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આજથી સાત દિવસના ભાદરવી મહાકુંભસમા મેળાનો પ્રારંભ થતા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં માંઇ ભક્તો અંબાજી મંદિરે પહોંચ્યા હતા. શક્તિપીઠમાં જાણે ભક્તિ અને આસ્થાનો મહાસાગર ધુધવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર અંબાજી મંદિર પરિસર આકર્ષક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. તેમજ અંબાજી નગરને પણ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે.
અંબાજી મંદિરના શક્તિદ્વારથી મંદિર સંકુલ, પરિસર,ચાચરચોક અને અલગ અલગ વિસ્તારમાં સુંદર રંગબેરંગી લાઇટીંગ જોવા મળી રહી છે. અંબાજી મંદિર ખાતે ખુબ જ સુંદર લાઈટિંગ જોઈને ભક્તો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. અંબાજી નગરના અલગ અલગ ત્રણ માર્ગના ત્રણ ગેટથી લઈને અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ સુધી ત્રણેય માર્ગ ઉપર લાઈટિંગ લગાવવામાં આવી છે. અંબાજીનું બસ મથક સાત દિવસ માટે અન્ય જગ્યા ઉપર ખસેડવામાં આવ્યું છે.
હાલમાં આ બસ મથક અંબાજી મંદિરમાં જવાનો મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યો છે. આ મુખ્ય માર્ગ બહાર સુંદર કલરફુલ એલઇડી લગાવવામાં આવે છે, જેમાં માઁ અંબાની સુંદર પ્રતિકૃતિના દર્શન થાય છે. અંબાજી ભાદરવી મહાકુંભ સાત દિવસ અંબાજી ખાતે યોજાતો હોય છે, ત્યારે અંબાજી ખાતે લાઇટિંગનું પણ અનેરૂૂ મહત્વ હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પણ લાઈટિંગ અલગ પ્રકારની લગાવવામાં આવી છે અને આરતી સમયે પણ મંદિર પરિસરમાં અલગ અલગ પ્રકારના લાઇટિંગ ઈફેક્ટ થી સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યા છે.
મંદરમાં આજથી 18 સપ્ટેમ્બર સુધી દર્શન સમયમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં સવારની મંગળા આરતી છ કલાકે થશે, ત્યારબાદ રાત્રિના 12 કલાક સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. બપોરે 11:30 થી 12:30 અને સાંજે 5થી 7 મંદીર સાફ-સફાઈ માટે બંધ રહેશે.
આજે ભક્તો કલાકો સુધી અંબાજી મંદિરની પ્રસાદ કેન્દ્રની પાવતીઓમાં લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. બીજા ભક્તો પ્રસાદ લેવા માટે પણ લાઈનમાં ઉભેલા જોવા મળ્યા અને ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી.
અંબાજી મંદિર ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન પ્રસાદના વધારે કાઉન્ટર શરૂ કરવામાં આવતા હોય છે, પરંતુ આજે ભક્તોનું ઘોડાપૂર અંબાજી ખાતે ઉમટતા મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ કેન્દ્ર ઉપર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરની અંદર પ્રસાદ કાઉન્ટર ઓછા હોવાને લીધે અને એકજ હોવાને લીધે ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં બીજું કાઉન્ટર શરૂૂ કરવામાં આવશે.