હુમલામાં ઘવાયેલા કોલેજિયન યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
હુમલામાં ઘવાયેલા કોલેજિયન યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયોપોલીસે હત્યા પ્રયાસ કેસમાં બે આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કર્યા બાદ હત્યાની કલમનો ઉમેરો, હત્યાના ચકચારી બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત
જામનગર જિલ્લાના બેડમાં રહેતા અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક કોલેજીયન તરુણ પર આમરા ગામના એક શખ્સ અને તેના સાગરીતે ધોકા-પાઇપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધા પછી તરુણનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે હુમલાખોર બંને આરોપીઓને હત્યા પ્રયાસ કેસમાં ઝડપી લઇ જેલ હવાલે કર્યા બાદ તેની સામે હત્યાની કલમનો ઉમેરો કરાયો છે. જે હત્યાના બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
આ હુમલા ના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક બેડમાં રહેતા અને ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા અશોકભાઈ રાયસંગભાઈ લાલવાણી નામના શ્રમિકના 17 વર્ષ પુત્ર અભય કે જેના પર આમરા ગામમાં રહેતા જીતેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા તેમજ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા એ લાકડાના ધોકા પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દઈ હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, જ્યારે કપાળના અને આંખના ભાગે પણ ઈજા થઈ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલત માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે.
આ હુમલાના બનાવ અંગે ગત 21મી તારીખે અશોકભાઈ લાલવાણીએ આમરાના જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ સામે પોતાના પુત્ર પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમજ પુત્રનો મોબાઇલ ફોન તોડી નાખવા અંગેની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી હતી.
જેે ફરિયાદના અનુસંધાને સિક્કાના પી.આઇ. વી. જે. રાઠોડ અને તેમની ટીમે તપાસના અંતે બંને હુમલાખોર આરોપીઓની અટકાયત કરી હતી.
સૌપ્રથમ તેમાં કલમ 307 નો ઉમેરો કરીને બંનેને જેલ હવાલે કરાયા હતા, અને હુમલામાં વપરાયેલા લાકડી પાઇપ સહિતના હથિયારો કબજે કરવામાં આવ્યા હતા.
દરમિયાન સારવાર હેઠળ રહેલા કોલેજીયન તરૂૂણ નું મૃત્યુ નીપજતાં આ બનાવ હત્યામાં પલટાયો છે, અને પોલીસ દ્વારા તેમાં કલમ 302 નો ઉમેરો કરાયો છે. સમગ્ર મામલે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જે પ્રકરણની વધુ તપાસ સિક્કાના પી.આઈ. વી.જે. રાઠોડ ચલાવી રહ્યા છે.