For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતાં કોલેજિયનનો આપઘાત

04:21 PM Nov 21, 2024 IST | Bhumika
ઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતાં કોલેજિયનનો આપઘાત
Advertisement

નાગેશ્ર્વર જૈન દેરાસર પાસેની ઘટના, મોબાઇલમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી

યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું, આશાસ્પદ પુત્રના આપઘાતથી પરિવારમાં શોક

Advertisement

આધુનિક વિશ્ર્વની ડિઝીટલ ક્રાંતિના આ બદલાઇ રહેલા યુગમાં 52 પત્તાની રમત અને જુગાર સટ્ટાએ ઓનલાઇન ધાક જમાવવાની શરૂ કરી દીધી છે. જુગાર, સટ્ટો અને કસીનો જેવી પ્રવૃતિઓના વધી રહેલા ઓનલાઇન ચલણને કાબુમાં રાખવા માટે તંત્રની કેટલીક મર્યાદાઓને લઇને ઓનલાઇન જુગારના નિયંત્રણની મર્યાદા માટે હવે આવશ્યક વ્યવસ્થાની જરૂરીયાત ઉભી થઇ છે. ઓનલાઇન જુગારની બદીને કાબુમાં લેવાની હિમાયત અને આવશ્યકતાઓ પર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તે નકકર પ્રથાનો અમલ થયો નથી ત્યારે ઓનલાઇન જુગારની આ બદીને નાથવા માટેની મર્યાદાના કારણે ઓનલાઇન જુગાર કલચરનુ દુષણ દિવસેને દિવસે ફેલાતુ જઇ રહયુ છે.

ઓનલાઇન ગેમીંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર, કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઇ રસ્તો ન મળતા આપઘાત કરી લે છે અને આવી ઘટનાઓ દિવસેને દિવસે સામે આવતી રહે છે ત્યારે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડીત નામના 20 વર્ષીય યુવાને ગઇકાલે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ સમયે તેમના પરીવારજનો ક્રિષ્નાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતા ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ સમયે દેકારો બોલી જતા પાડોશમાં રહેતા નવીનભાઇએ તુરંત 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108ના ઇએમટી દિવ્યાબેન બારોટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રિષ્ના પંડીતને મૃત જાહેર કર્યો હતો.

ત્યારબાદ યુવકના મૃત્યુની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. રવિભાઇ વાસદેવાણી અને રાઇટર સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાગળો કરી ક્રિષ્ના પંડીતનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે ક્રિષ્ના એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેમજ તેમની બહેન રીંકી ધો. 1ર માં અભ્યાસ કરતી હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમજ તેમના પિતા રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

ગઇકાલે તેમના પિતા કામ પર ગયા હતા અને માતા તેમજ બહેન બજારમાં ગયા હતા. તેઓ બપોરના સમયે ઘરે આવતા પુત્ર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. મૃતક ક્રિષ્ના પંડીતના મોબાઇલમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે ઓનલાઇન ચાલી રહેલી ગેમીંગ એપમાં સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી જતા કોઇને મોં દેખાડવાને લાયક ન રહેતા પોતે આ પગલુ ભરતો હોવાની પરિવારને સંબોધીને લખ્યુ હતુ. આ ઘટના મામલે હવે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી. બી. વારોતરીયા તપાસ ચલાવી રહયા છે. આ ઘટનાથી મુળ બિહારનો પ્રજાપતિ પરિવાર શોકમાં ગરક થઇ ગયો છે.

યુવાનોને સંબોધીને લખ્યુ કે, ઓનલાઇન જુગાર ખતરનાક બીમારી છે, તેનાથી દૂર રહો

ઓનલાઇન જુગાર એ માનસિક અને આર્થિક રીતે યુવાનોને પાયમાલ કરી નાંખે છે. મારી આત્મહત્યા પાછળ હું લોકોને એક સંદેશ આપવા માંગુ છે કે ઓનલાઇન જુગારથી દુર રહો. તેમજ તેમના મિત્ર પ્રિયાંશને સંબોધીને જણાવ્યુ હતુ કે મારી છેલ્લી ઇચ્છા છે કે ઓનલાઇન જુગાર સદંતર માટે બંધ થવી જોઇએ. કારણકે ઓનલાઇન જુગાર એ એક ખતરનાક વ્યસન છે. ‘થેન્કયુ શો મચ, ફોર ધ ગ્રેટ લાઇફ, ગુડબાય’

મૃતક ક્રિષ્ના પંડિતની અક્ષર:સહ સ્યૂસાઇડ નોટ

હું આપઘાત કરી રહયો છું. કારણકે મેં બધાજ નાણા ઓનલાઇન ગેમીંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમા ગુમાવી દીધા છે. તેમજ અંતિમ પળોમાં પોતાના માતા-પિતાને માફી માંગતા તેમણે લખ્યુ છે કે સ્ટેક જેવી બેટિંગ સાઇટ પર તેઓએ બધુજ ગુમાવી દીધું છે. તેમજ જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે. મારા આ નિર્ણય માટે કોઇપણ વ્યકિત જવાબદાર નથી. તેનો જવાબદાર માત્રને માત્ર હું જ છું. જુગારનું વ્યસન વ્યકિતને અંદરથી ખાલી કરી દે છે. આ જુગારમાંથી છોડાવવા મિત્રો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ હું જુગારની લત છોડી શકયો નહોતો અને આ વ્યસન મને ચરમસીમાએ લઇ ગયુ હતું. તેમજ બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો. તનુ ધ્યાન રાખજો. તે કોઇ ખોટુ પગલુ ન ભરે.

Advertisement
Tags :
Advertisement
Advertisement