હાઇવે પરના સર્વિસ રોડ રીપેર કરવા કલેક્ટરની તાકીદ
કુવાડવા ઓવરબ્રિજની આસપાસ પાકો રોડ બનાવવા અને પડધરી પાસે દબાણો હટાવવા સૂચના
રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાઈ તે માટે બેઠકમાં રોડ એન્જિનિયરિંગ સહિતની બાબતોની કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે રોડ સેફટી કામગીરી અને અવેરનેસની ફલશ્રુતિ રૂૂપે વર્ષ 2023 ની સાપેક્ષ વર્ષ 2024 માં નોંધનીય 10 % જેટલો ઘટાડો નોંધાયો છે.
કલેકટરે બેઠકમાં વિવિધ હાઇવે પર કામગીરીની સમીક્ષા કરતા રાજકોટ ગોંડલ રોડ હાઇવે સંલગ્ન સર્વિસ રોડને સ્મુધ કરવા ખાસ તાકીદ કરી હતી. સર્વિસ રોડ પર પડેલા ગાબડાંઓને પેચવર્ક કરી રીપેર કરવા, નજીના દબાણો દૂર કરવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને ખાસ સુચના આપી હતી. સાથોસાથ રાજકોટ થી કુવાડવા તરફ જતા હાઇવેમાં સર્વિસ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી સુધીમાં સર્વિસ રોડ વહેલી તકે રીપેર કરવા એજન્સીઓને સુચના આપી હતી. જયારે રાજકોટ કુવાડવા રોડ બ્રિજની આસપાસ બ્રિજની બંને તરફ પાકો રોડ બનાવવા જણાવ્યું હતું. જ્યારે પડધરી બાયપાસ પાસે તેમજ સર્કલ આસપાસ હોટલોના દબાણો દૂર કરવા, ગેરકાયદે ગેપ ઈન મીડ્યમ બ્રેક કરતા હોટેલ અને પેટ્રોલ પંપ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
કલેકટરના માર્ગદર્શન મુજબ કાલાવડ રોડ પર ડ્રાઈવિંગ સિનેમાથી મેટોડા રોડ પર સ્ટ્રીટ લાઈટ લગાડવાથી અકસ્માતના પ્રમાણમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.
ગત વર્ષ દરમ્યાન રોડ સેફટી કામગીરી અંતર્ગત હાઇવે પર વિવિધ સાઈન બોર્ડ, હાઇવે ને જોડતા ધોરી માર્ગો પર સ્પીડ બ્રેકર, રોડ પર રમ્બલ સ્ટ્રીપ, કેટ આઇ વગેરે કામગરીને પરિણામે જીવલેણ અકસ્માતમાં ઘટાડો થયો હોવાનું જે.વી. શાહે જણાવ્યું હતું. આ મીટીંગમાં આર.ટી.ઓ અધિકારી કેતન ખપેડ, રાજકોટ ગ્રામ્ય ડી.વાય.એસ.પી. એસ.એસ. રઘુવંશી, 108ના ચેતન ગધે, સહીત એન.એચ. એ.આઈ., આર.એન્ડ બી. ગ્રામ્ય, નેશનલ ડિવિઝન સ્ટેટ હાઇવે, રૂૂડા, શિક્ષણ, આરોગ્ય, સહિતના રોડ સેફટી કમિટીના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.