ઉપલેટા-ધોરાજીના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કલેક્ટર અને ડીડીઓ
ભારે વરસાદના કારણે ખેતરો ધોવાઈ ગયા, મિલકતને પણ નુકસાન: સરવે માટે એક ડઝન ટીમ ઉતારી
તાજેતરમાં થઈ રહેલા ભારે વરસાદની પરિસ્થિતિનો અંદાજ મેળવવા જિલ્લા કલેકટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ ઉપલેટા તથા ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી, અને અતિ વરસાદના કારણે બંને તાલુકાઓના વિવિધ ગામોમાં થયેલ નુકસાનીનું નિરીક્ષણ કરી અગ્રણીઓ તથા ગ્રામજનોની સમસ્યાઓ વિશે યોગ્ય કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.
કલેકટરશ્રી પ્રભવ જોશીએ ઉપલેટા તાલુકાના ભીમોરા, લાઠ, તલંગણા , કુંઢેચ, મેલી મજેઠી, સમઢીયાળા વિગેરે ગામોના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો તથા અસરગ્રસ્ત લોકો સાથે સવાંદ કરી ખેતરોમાં થયેલ ધોવાણ અને ઘરોમાં પાણી ભરાવાના કારણે થયેલ નુકસાનીની માહિતી મેળવી હતી. જેમાં ભીમોરાથી કુંઢેચ સુધીના રસ્તા પર નીચાણવાળા કોઝ વે પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ જતા હોવાના કારણે લાઠ તથા ભીમોરા ગામો મુખ્ય માર્ગથી વિખૂટા પડી જાય છે.
આ પ્રશ્નનો નિકાલ લાવવા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ અસરગ્રસ્ત ગામોમાં ઘરવખરીની નુકસાની થઈ છે તેનો સર્વે ચાલુ હોય તે વિસ્તારની પણ મુલાકાત લઈ આ સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ભારે વરસાદના કારણે નિર્મિત થયેલ પરિસ્થિતિને લીધે કોઈ રોગચાળો વકરે નહીં તેના માટે સત્વરે કાર્યવાહી કરવા તાલુકા હેલ્થ ઓફિસરને જરૂૂરી સુચના આપી હતી. આ તકે ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા કરાતી સર્વેની કામગીરીની સમીક્ષા પણ બંને અધિકારીઓએ કરી હતી. ધોરાજી પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ વિભાગના અધિકારીશ્રીઓની બેઠક યોજી હાલની પરિસ્થિતિ સંબંધે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી જરૂૂરી સૂચના આપી હતી. કલેકટરની આ મુલાકાત સમયે પ્રાંત અધિકારી જે. એન. લીખિયા, વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ, સંબંધિત ગામોના સરપંચો તાલુકા વિકાસ અધિકારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.