કોલ્ડવેવની અસર, નલિયામાં 5, રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન
18 કિલોમીટરની ઝડપે બર્ફિલા પવનો ફૂંકાતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા, હજુ ત્રણેક દિવસ ઠંડી સપાટો ચાલુ રહેવાની આગાહી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને આજે અનેક વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટમાં આજે સીઝનનું સૌથી નીચું 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં તાપમાનનો પારો પાંચ ડિગ્રીએ પહોંચી જતાં જનજીવન ઉપર ગેરી અસર જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રી નીચે તાપમાન સરકી ગયું છે. આજે સવારથી સરેરાશ 18 કિ.મી.ની ઝડપે ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતાં.
રાજ્યમાં આજેસતત ત્રીજા દિવસે ઠંડા બર્ફિલા પવનો ચાલુ રહેતા જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે. લોકો ઠંડીના કારણે ગરમ કપડામાં વીંટળાઈને નિકળતા નજરે પડે છે. જ્યારે સાંજે વહેલા ઘરોમાં ભરાઈ જાય છે.
રાજ્યમાં આજે નલિયા પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે 9.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ બીજા નંબરે રહ્યું છે. ડીસામાં 10.6, ભૂજમાં 11, અમરેલીમાં 11.8, વડોદરામાં 12, અમદાવાદમાં 13.4, ભાવનગરમાં 13.8 અને કંડલામાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં આજે સવારથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. કચ્છમાં શિયાળાના આગમન બાદ પણ વિષમ હવામાનની સ્થિતિ રહેવા પામી હતી. જોકે ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા છેલ્લા ત્રણ દિવસથી કચ્છ કાતિલ ઠંડીની પકડમાં આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આજે સિઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠંડીથી ધ્રૂજી ઉઠ્યા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેમ જણાવ્યું છે.
જમ્મુ-કાશમીરની સાથે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનથી રાજ્યમાં હજુ ચાર દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેવાની શક્યતા છે. ખાસ કરીને કચ્છમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મંગળવારે 6.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. વહેલી સવારથી ફૂંકાયેલા પવને લોકોને ધ્રૂજાવ્યા હતા. સમગ્ર રાજ્યમાં બે દિવસથી ઠંડીએ અસલી મિજાજ બતાવ્યો છે. તેથી કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
બે દિવસ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રી જેટલું ઘટી જતા દિવસે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા ઠંડીની તીવ્રતા વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદનું લઘુમત તાપમાન 24 કલાક દરમિયાન 12 ડિગ્રીની આસપાસ રહેવાની જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
સોનમર્ગમાં -10હ સેં., કેદારનાથ-બદ્રીનાથમાં પ્રથમ હિમવર્ષા, 9 રાજ્યો કોલ્ડવેવની ઝપટમાં
મંગળવારે બર્ફીલા પવનોને કારણે હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડમાં શીત લહેર ચાલી રહી છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, યુપી, બિહાર, ઝારખંડ, બંગાળ, સિક્કિમ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળે છે. સોમવારે શ્રીનગરમાં આ સિઝનનું સૌથી ઓછું તાપમાન -5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સોનમર્ગ -9.7 ડિગ્રી સાથે સૌથી ઠંડું રહ્યું હતું. ગુલમર્ગમાં પારો -9.0 ડિગ્રી નોંધાયો હતો. કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. અહીં દક્ષિણ ભારતમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં પહાડોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં પણ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. આ પછી પારામાં ઘટાડો નોંધાશે.