ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, નલિયામાં 9 ડિગ્રી
સમગ્ર ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને કાતિલ ઠંડીની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે, જેમાં કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે લોકોએ ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ખાસ કરીને કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચીને 9 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી અને વડોદરામાં 12 ડિગ્રી તાપમાન રહેતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ડીસામાં 12.7 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે અને પારો 13.4 ડિગ્રીએ પહોંચ્યો છે. દરિયાકાંઠાના વિસ્તાર પોરબંદરમાં 13.6 ડિગ્રી, જ્યારે ભુજ અને ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે.