CM ભૂપેન્દ્ર પટેલ વરસાદી તારાજીનું નિરિક્ષણ કરવા પહોચ્યાં જામનગર, અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની કરશે સમીક્ષા
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. જામનગરમાં અતિવૃષ્ટિના કારણે થેયલી નુકસાનીની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી.
ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આજે બપોરે 3:30 કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા. જ્યા તેઓએ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરી હતી.
જામનગરની સ્થિતી જાણ્યા બાદ મુખ્યમંત્રી સાંજે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે.