અમદાવાદ વિમાની દુર્ઘટનાનો આ પ્રારંભિક તપાસ રિપોર્ટ છે, કોઇ નિષ્કર્ષ પર ન પહોંચો: ઉડ્ડયન મંત્રીની ટિપ્પણી
12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં કુલ 260 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને જમીન પર 19 લોકોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, આ અકસ્માતના બરાબર એક મહિના પછી, એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) એ શનિવારે એક પ્રારંભિક અહેવાલ બહાર પાડ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આ અહેવાલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ એક પ્રારંભિક તપાસ અહેવાલ છે અને AAIBનો અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ કાઢવામાં આવશે નહીં.
નાયડુએ કહ્યું કે આ અહેવાલ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે અને મંત્રાલય તેમાં બહાર આવેલી બાબતોનું વિશ્ર્લેષણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે મંત્રાલય વતી, અમે તેનું ઊંડાણપૂર્વક વિશ્ર્લેષણ કરી રહ્યા છીએ. નાયડુએ કહ્યું કે AAIB એક સ્વતંત્ર સંસ્થા છે અને અમે તેમને શક્ય તેટલો સહયોગ આપી રહ્યા છીએ. અમને આશા છે કે અંતિમ અહેવાલ ટૂંક સમયમાં આવશે જેથી અમે કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચી શકીએ.
રામ મોહન નાયડુએ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના પાઇલટ્સ અને ક્રૂની પ્રશંસા કરી અને કહ્યું કે હું સંપૂર્ણ રીતે માનું છું કે અમારી પાસે વિશ્વના શ્રેષ્ઠ પાઇલટ્સ અને ક્રૂ છે. તેઓ આપણા ઉડ્ડયન ઉદ્યોગની કરોડરજ્જુ છે. આ સાથે, મંત્રીએ ખાતરી આપી કે સરકાર અકસ્માત સંબંધિત તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને અંતિમ અહેવાલના આધારે જરૂૂરી પગલાં લેવામાં આવશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઉડ્ડયન સલામતી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.આ અહેવાલ પર, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે આ ફક્ત એક પ્રારંભિક અહેવાલ છે, અંતિમ નથી. અંતિમ અહેવાલ બહાર ન આવે ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ નહીં.