જેતપુરનું ટોલનાકુ બંધ કરો; 25મીથી ઉપવાસ- આંદોલનની ચીમકી
60 કિ.મી.ના અંતરમાં બે ટોલનાકા ગેરકાયદેસર, કલેકટરને આવેદન પાઠવાયું
રાજકોટ જેતપુર હાઇવે પર 60 કીમી અંતરમાં આવેલા બે ગેરકાયદે ટોલ નાકામાંથી એક ટોલનાકાને બંધ કરાવવા અને સિકસલેનનું કામ ચાલુ રહે ત્યાં સુધી વાહનોનો ટોલ બંધ રાખવાની માંગણી સાથે હવે બે મુદતી ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુકાવ્યું છે. ગોંડલની ઉમવાડા ચોકડીએ તા.25 ફેબ્રુઆરીથી બે મુદતી ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી છે.ગોંડલની ઉમવાડા ચોકડી નજીક ગોકુલ વાટીકામાં રહેતા પત્રકાર અને એડવોકેટ ધ્રુવકુમાર હરીભાઇ કાછડીયાએ જીલ્લા કલેકટરને એક વિસ્તુત આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે રાજકોટથી જેતપુર વચ્ચે હાઇવે પર બે ટોલનાકા છે. જે ગેરકાયદે છે. પરિવહન મંત્રી નીતીન ગડકરીએ જ લોકસભામાં જ જાહેરાત કરી હતી કે 60 કીમીના અંતરમાં એક જ ટોલનાકુ હશે અને બીજુ હશે તો તે બંધ કરવામાં આવશે.
ટોલ બંધ કરાશે આમ છતાં હાઇવે પર પીઠડીયા અને ભરૂડી નજીક બન્ને ટોલનાકા પર ટોલ વસુલી વાહન ચાલકોને લુંટવામાં આવે છે. આ બન્ને ટોલનાકામાંથી એક ટોલનાકુ બંધ કરવા અગાઉ અનેક વખત રજુઆત થઇ ચુકી છે. છતાં હજુ બન્ને ટોલનાકા પર ટોલ વસુલવાનું ચાલુ છે. આથી હવે તા.25 ફેબ્રુઆરીથી બે મુદતી ઉપવાસ આંદોલન કરવામાં આવશે. ધ્રુવભાઇ કાછડીયાએ વધુમાં જણાવ્યું છે કે બેમાંથી એક ટોલનાકામાંથી એક બંધ કરવામાં નહીં આવે તો તા.25 ફેબ્રુઆરીથી રાજકોટ જેતપુર વચ્ચે મધ્યમમાં આવેલા ગોંડલની ઉમરાડા ચોકડી નજીક ખોડલદીપ હોટલ સામે ગોકુલ વાટીકા સોસાયટીના ગેટ પાસે હું બે મુદતી ઉપવાસ શરૂ કરીશ સવારે 7-30 થી સાંજના 7 વાગ્યા સુધી આંદોલન કરવાની આ આવેદનમાં ચેતવણી આપવામાં આવી છે.
આવેદનપત્રમાં વધુમાં એવું પણ જણાવ્યું છે કે રાજકોટ જેતપુર હાઇવેને સિકસ લેન બનાવવા માટેની કામગીરી ચાલી રહી હોવાથી વાહન ચાલકોને ટ્રાફીક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. વાહનોમાં ભાંગતુટ ઉપરાંત બે ટોલ ડિઝલ અને સમયની બરબાદી થાય છે અને યાતના ભોગવવી પડે છે. તેથી જયાં સુધી આ સિકસલેનની કામગીરી ચાલુ રહે ત્યાં સુધી વાહનોના ટોલ માફ કરવાની પણ માંગણી કરી છે.
આ અંગે તેમણે કેન્દ્રીય પરિવાહન મંત્રી નીતીન ગડકરીને પણ વિસ્તુત પત્ર પાઠવ્યો છે અને રાજય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જીલ્લા પોલીસ વડા, ગોંડલના મામલતદાર અને પોલીસ અધિકારીને પત્ર પાઠવી જાણ કરી છે.
ચૂંટાયેલા નેતાઓના આંખ આડા કાન
છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો લુંટાય છે અને હેરાન થાય છે છતાં એક પણ ચુંટાયેલા નેતાએ આ મુશ્કેલી અંગે અવાજ ઉઠાવ્યો નથી તેવો વસવસો પણ ધ્રુવભાઇ કાછડીયાએ વ્યકત કર્યો હતો. ચુંટણી સમયે મત માંગવા આવતા અને ચુંટાઇ ગયા બાદ લોકોની મુશ્કેલી સામે આવા નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે.