શાપર-વેરાવળ બસ સ્ટેન્ડની જગ્યામાં થયેલ દબાણનો સફાયો
કોટડાસાંગાણી મામલતદાર અને હાઈવે ઓથોરિટીએ બે સ્થળે બુલડોઝર ફેરવી ધાર્મિક, કાચા મકાનોનું દબાણ હટાવ્યું
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પર મોટાપાયે દબાણો થઈ ગયા છે ત્યારે તાજેતરમાં જ શાપર વેરાવળ ખાતે બસ સ્ટેન્ડ બનાવવા માટેના અનામત પ્લોટમાં પણ મોટાપાયે ધાર્મિક અને અન્ય દબાણો થઈ ગયા હોવાનું જિલ્લા કલેકટરના ધ્યાન પર આવતાં આજે કોટડાસાંગાણી મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખી દબાણો પર બુલડોઝર ફેરવી દઈ કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે.
રાજકોટની ભાગોળે આવેલ શાપર વેરાવળમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે શાપર વેરાવળમાં બસ સ્ટેન્ડ બનાવવા માટે ધારાસભ્યએ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને બસ સ્ટેન્ડ બનાવવા માટેના અનામત પ્લોટમાં તપાસ કરાવતાં તેમાં ધાર્મિક અને કોમર્શિયલ દબાણ તેમજ ઝુંપડાઓ તેમજ કેબીનો ખડકી દેવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
કોટડાસાંગાણી મામલતદાર જાડેજાએ દબાણકર્તાઓને આખરી નોટિસ ઈસ્યુ કર્યા બાદ આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તને સાથે રાખીને સર્વે નં.141 અને 495ની હાઈ-વે ટચ કરોડોની કિંમતની 1200 ચો.મી.જમીનમાં થયેલ દબાણ પર બુલડોઝર ફેરવી દઈ સુરાપુરાની દેરી, મચ્છુમાનું મંદિર, ત્રણ કાચા મકાનો અને કેબીનો હટાવી કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.