બેડી યાર્ડ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મારવાડી કોલેજના સફાઈ કર્મચારીનું મોત
- ચાલુ નોકરીએ એક કલાકની રજા લઈ ઘરે જતાં યુવાનને કાળે આંતર્યો
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં શહેરની ભાગોળે આવેલા બેડી ગામે રહેતા અને મારવાડી કોલેજમાં સફાઈ કામ કરતો યુવાન ચાલુ નોકરીએ એક કલાકની રજા લઈ ઘરે આંટો મારવા જતો હતો ત્યારે બેડી યાર્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું કરૂણ મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં બેડી ગામે રહેતા સુરેશ નટુભાઈ ચાવડા નામનો 35 વર્ષનો યુવાન સાંજના ચારેક વાગ્યાના અરસામાં મોરબી રોડ પર બેડી યાર્ડ પાસે હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે સુરેશ ચાવડાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી છુટયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર મળે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સુરેશ ચાવડા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને મારવાડી કોલેજમાં સફાઈ કામ કરી પરિવારજને આર્થિક મદદ કરતો હતો. સુરેશ ચાવડા ગઈકાલે મારવાડી કોલેજમાં નોકરી પર હતો ત્યારે એક કલાકની રજા લઈ કામ સબબ ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી જીવલેણ અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.