ધો.9-11ની રિ-ટેસ્ટમાં પાસ વિદ્યાર્થીની જનરલ રજિસ્ટરમાં વર્ગ બઢતીની નોંધ કરાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, આ નિર્ણય લેવામાં આવ્યો તે પહેલાં ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી અમુક વિદ્યાર્થીઓ પોતાનું એલ.સી. લઈ લીધું હતું. હવે આવા વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને જનરલ રજિસ્ટર (GR)માં શું એન્ટ્રી કરવી તેને લઈને મુંઝવણ ઊભી થઈ હતી.
જેથી શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જેમાં ધોરણ-9 અને 11માં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને ગયેલા નાપાસ વિદ્યાર્થીની રિ-ટેસ્ટ લીધા બાદ જો તેમાં પાસ થયા હોય તો GRમાં રિ-ટેસ્ટના આધારે વર્ગ બઢતીની નોંધ કરવાની રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું હતું.
ચાલુ શૈક્ષણિક વર્ષ જૂન-2024માં ધોરણ-9 અને ધોરણ-11માં રિ-ટેસ્ટ લેવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાની જોગવાઈ ન હોવાથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું હતું. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા હવે ધોરણ-9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક વર્ષ શરૂૂ થયાના પંદર દિવસમાં પરીક્ષા ગોઠવી પાસ થયેલા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, ચાલુ વર્ષે આ નિર્ણય લેવામાં આવ્યો તે પહેલા શાળા છોડી અને ક.ઈ. લઇ ગયા હોય તેવા કિસ્સામાં પુન: પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીએ ધોરણ-10 અને ધોરણ-12માં શાળાના જી.આર પર કેવી રીતે નોંધ કરવી તેની યોગ્ય સ્પષ્ટતા કરવા રજૂઆત કરવામાં આવી હતી.
જેના અનુસંધાને શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જૂન-2024માં ધોરણ-9 અને 11માં રિ-ટેસ્ટ લેવાનો નિર્ણય થયો તે અગાઉ જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શાળા છોડી ક.ઈ. લઈ ગયા હોય અને ત્યારબાદ પોતાની શાળામાં કે અન્ય શાળામાં ધોરણ-9 અને ધોરણ-11માં પ્રવેશ મેળવેલો હોય અને આવા વિદ્યાર્થીઓ માટે શાળાએ રિ-ટેસ્ટ લીધેલી હોય તેવા વિદ્યાર્થીની રિ-ટેસ્ટના પરિણામને આધારે વિદ્યાર્થીઓને ધોરણ-10 અને ધોરણ-12માં વર્ગ બઢતી આપવામાં આવેલી હોય તો તે મુજબની નોંધ શાળાના જનરલ રજિસ્ટર(ૠ.છ.)માં કરવાની રહેશે.