રતનપરમાં વિદેશી છાત્રો-ગ્રામજનો વચ્ચે ધબધબાટી, દેહવ્યાપારનો આક્ષેપ
મોબાઇલમાં શૂટિંગ ઉતારવા મામલે નિવૃત્ત આર્મી જવાન પર 20 વિદ્યાર્થીઓ તૂટી પડયા, ગાળાગાળી અને મારામારી થતાં પોલીસે ઘટનાસ્થળે જઇ મામલો થાળે પાડયો
ભાડે રહેતા વિદેશી વિદ્યાર્થીઓ દારૂ, પાર્ટીઓ અને દેહ વ્યાપાર કરતા હોવાના ગ્રામજનોના આક્ષેપ, અગાઉ પણ અસામાજિક પ્રવૃત્તિ અંગે ફરિયાદ થઇ હતી
વિદેશી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિથી આજુબાજુના ગામમાં ન્યૂસન્સ ફેલાતું હોવાની રજૂઆત: વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આવેદન
શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને રતનપર નજીક ફલેટ, ટેનામેન્ટ ભાડે રાખી રહેતા વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વિદેશી વિદ્યાર્થીનીઓ અનૈતિક પ્રવૃતિ સાથે જોડાયેલી છે અને નશીલા પદાર્થનું સેવન કરતી હોવાના આક્ષેપ કરતા વિદેશી છાત્રોએ ગામજનો સાથે બોલાચાલી કરી હંગામો મચાવી અને હુમલો કર્યાની રાવ ગામજનો દ્વારા કરતા પોલીસ દોડી ગઇ હતી અને મામલો થાળે પાડી ગ્રામજનોની રાવના આધરે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ગામના નિવૃત આર્મી જવાન વનરાજસિંહ ઝાલાના ફોનમાં વિદ્યાર્થીઓનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ત્યાંથી નિકળેલી વિદેશી વિદ્યાર્થીની અને વિદ્યાર્થીએ કર્યો હતો અને ફોન ચેક કરતા તેમાંથી એક પણ ફોટો કે વિડીયો નિકળ્યો હતો નહીં છતા બબાલ કરી હતી અને 20થી વધારે વિદેશી છાત્રો ધસી આવી બળાસ કરી હતી અને ગામજનો પર હુમલો કરતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. જો કે બન્ને પક્ષમાંથી એકપણ પક્ષે ફરીયાદ નોંધાવી હતી નહી. વિદેશી છાત્રો દેહવ્યાપારની પ્રવૃતિ કરતા હોવાના આક્ષેપથી પોલીસે તમામના નિવેદનો નોંધ્યા હતા.
ગઇકાલે થયેલી બબાલ મામલે આજે કોંગ્રેસને સાથે રાખી ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે શહેરની ખાનગી યુનિ.ઓમાં ખાસ કરીને મારવાડી યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તે રતનપર નજીક ભાડે રહે છે. જેમાં કેટલાક વિદ્યાર્થીની દેહ વ્યાપાર સાથે સંકળાયેલી છે. દારૂ સહીતની પાર્ટીઓ કરી હંગામો મચાવતી હોય છે જેના કારણે રતનપર સહીતના ગામોમાં દુષણ ફેલાઇ રહ્યું છે જેથી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રતનપર નજીક હોટેલ, હોસ્ટેલ, ફ્લેટ અને મકાનોમાં તપાસ કરવા ખાતરી
વિદેશી વિદ્યાર્થીઓ અસામાજીક પ્રવૃતિ કરતા હોવાની ફરીયાદ આજે ગ્રામજનો અને કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને કરી હતી જેમાં પોલીસ કમિશનરે ખાતરી આપી હતી કે આગામી દિવસોમાં રતનપર નજીકની હોટેલો, હોસ્ટેલો, ફલેટ અને મકાનોમાં પોલીસ દ્વારા ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. ઉપરાંત મારવાડીના સંચાલકો સાથે પણ બેઠક કરી આ બાબતે ચર્ચા કરાશે. વધુમાં એલસીબીના નંબર પણ પોલીસ કમિશનરે ગ્રામજનોને આપ્યા હતા અને શંકાસ્પદ પ્રવૃતિ અંગે જાણ કરવા સુચના આપી હોવાની રજુઆતકર્તાઓએ જણાવ્યું છે.
ગ્રામ પંચાયતના ઠરાવનો પણ ઉલાળીયો કરાયો
વિદેશી વિદ્યાર્થીનીઓ અસામાજીક પ્રવૃતિ કરતી હોવાના કારણે રતનપર ગ્રામજનો દ્વારા પંચાયતમાં ફરીયાદ કરતા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને વિદેશી છાત્રોને મકાન ભાડે નહી આપવા માટે હુકમ કરવમાં આવ્યો હતો છતા પણ તેનો ઉલાળ્યો કરી ભાડે આપવામાં આવી રહ્યા છે. હાલ 120થી વધુ મકાનમાં 400થી વધારે છાત્રો ભાડે રહે છે. તેવા આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરાયા છે.
પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે જનતા રેડ કરીશું: રોહિતસિંહ રાજપૂત
રતનપરમાં ચાલતી વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. આ બાબતની જાણ અમને થતા આજે પોલીસ કમિશનરને રજુઆત કરાઇ હતી. તેમાં કાર્યવાહીની ખાતરી મળી છે. છતા પણ ચાર દિવસમાં કોઇ નક્કર કાર્યવાહી નહીં થાય તો જનતાને સાથે રાખી અમે રતનપર આસપાસ હોટેલ, હોસ્ટેલ, મકાન અને ફલેટમાં જયાં વિદેશી છાત્રો રહે છે ત્યાં રેડ કરીશું તેમ કોંગ્રેસના ઝોનલ પ્રવકતા અને વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતુ.
ખાનગી યુનિવર્સિટીઓની જવાબદારી
* કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ માત્ર પોતાનો નેક ગ્રેડ, NIRF રેન્ક અને આંતરરાષ્ટ્રીય ઇમેજ માટે વિદેશી વિદ્યાર્થીઓને લાવે છે પણ તેમના કૌભાંડમાંથી ઉત્તરદાયિત્વથી દૂર રહે છે.
* આવાં વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓએ ફરજિયાત કેમ્પસ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ અને બહાર રહેવા પર નિયંત્રણ મૂકવો જોઈએ.
* યુનિવર્સિટીઓને ફરજ પાડવી જોઈએ કે તેઓ આવા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખે, તેમની ક્રિયાઓની દેખરેખ રાખે અને તેમને કોઈ અનૈતિક પ્રવૃત્તિમાં જોડાતા અટકાવે.
વિદેશી વિદ્યાર્થીઓના રહેઠાણ સંબંધિત સમસ્યાઓ
* આવી વિદ્યાર્થીનીઓ મોટા ભાગે ગૌરીદળ, રતનપર, બેડી, માધાપર ચોકડી, અટલ સરોવર વિસ્તારમાં ભાડે રહે છે.
* તેઓના રહેઠાણ પર વારંવાર અજાણ્યા, શંકાસ્પદ દારૂૂડિયા પ્રકારના લોકોના આગમનના કારણે પડોશી મહિલા અને પરિવારજનો માટે અસ્વસ્થતા ઉભી થાય છે.
* પડોશીઓએ તેમના દ્વારા ઊંચા અવાજમાં પાર્ટીઓ, મદિરાપાન અને ગંદા વર્તન અંગે અનેકવાર ફરિયાદો પણ કરી છે. પોલીસ વિભાગ અને હોટલ સંચાલકો વચ્ચે મિટિંગ યોજાવાની જરૂૂર
* શહેરની તમામ નાના-મોટા હોટલ સંચાલકો સાથે પોલીસના દેહવ્યાપાર નિવારણ શાખા અને મહિલા સુરક્ષા વિભાગ દ્વારા બેઠક યોજી એવાં ઘટકો સામે જાગૃતતા અને કાનૂની પગલાં અંગે માર્ગદર્શન આપવું જરૂૂરી છે.
* તમામ શંકાસ્પદ ફ્લેટ, હોટલ અને મકાનો પર તાત્કાલિક તપાસ થાય.
* વિદેશી વિદ્યાર્થીઓના રહીસતના સ્થળોની પોલીસ નોંધણી, ભાડાકરાર તેમજ પત્રો ચકાસી જરૂૂરી કાનૂની કાર્યવાહી થાય.
* સોશિયલ મીડિયા અને એપ્લિકેશન માધ્યમથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સાયબર ક્રાઈમ શાખા કાર્યવાહી કરે.
* ઘર ભાડે આપનાર મકાનમાલિકો વિરૂૂદ્ધ ગ્રામ પંચાયતના ઠરાવના ઉલ્લંઘન માટે પગલાં લેવાય.
* શહેરની હોટલો અને વાહનચાલકો સામે કાર્યવાહીને વધુ અસરકારક બનાવવા સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત મિટિંગો યોજી વ્યાપક કાર્યવાહીની યોજના અમલમાં મૂકવામાં આવે.
* સોશિયલ મીડિયા ગ્રુપ અને મોબાઇલ એપ્લિકેશનો પરથી મળતી માહિતીના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવે.
* જે રહેઠાણોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યાં રેડ/તાલાશી કરીને પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ તપાસ થાય.
* કોલેજ અને યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવે કે વિદેશી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ માટે રેહવાની સીમાઓ નક્કી કરે.