સાવરકુંડલામાં બે જૂથ વચ્ચે ધીંગાણું : એકની હત્યા
યુવતી સાથે મૈત્રી કરાર મુદ્દે માથાકૂટ થઈ હતી : સામસામી ફરિયાદ નોંધાઈ
સાવરકુંડલામા કેવડાપરા વિસ્તારમા ગઇકાલે સાંજના સુમારે યુવતી સાથે મૈત્રી કરાર મુદે બોલાચાલી થયા બાદ બે જુથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ થયુ હતુ. જેમા એક યુવકનુ મોત નિપજયું હતુ. જયારે પાંચ લોકોને ઇજા પહોંચતા સારવારમા ખસેડાયા હતા. આ બારામા બંને પક્ષેથી સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
આ ઘટના સાવરકુંડલામા કેવડાપરા વિસ્તારમા બની હતી. અહી ખીમાણીયા અને સોલંકી પરિવાર વચ્ચે યુવતી સાથે મૈત્રી કરાર મુદે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો વધુ બિચકયો હતો અને સશસ્ત્ર ધીંગાણુ સર્જાયુ હતુ. આ ધીંગાણામાં ફરિયાદ પક્ષના સુરેશભાઈ દેવશીભાઈ ખીમાણીયાને તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા થતાં અમરેલી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બારામા તેમના ભાઈ રણછોડભાઈ દેવશીભાઈ ખીમાણીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં વિજયભાઈ ભાવેશભાઈ સોલંકી, ભાવેશભાઈ બાલાભાઈ સોલંકી, કેશાભાઈ બાલાભાઈ સોલંકી અને વિક્રમભાઈ ભાવેશભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામા આવી હતી.
જયારે સામાપક્ષે વિજય ઉર્ફે ભુરો ભાવેશભાઇ સોલંકી (ઉ.વ.21) નામના યુવકે નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેણે રણછોડભાઇની દીકરી કુંજલ સાથે મૈત્રી કરાર કર્યા હોય અને બંને રાજકોટ રહેતા હતા. તે ગઇકાલે સાંજના સમયે રણછોડભાઇના ઘર પાસે નીકળ્યો હતો ત્યારે મુકેશ દેવશીભાઇ ખીમાણીયા, દેવશીભાઇ, સુરેશભાઇ, ઉકાભાઇ, મનોજભાઇ, કમલેશભાઇએ બોલાચાલી કરી કુહાડી વડે ઇજા પહોંચાડી હતી.પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.