જસદણમાં બે જૂથ વચ્ચે અથડામણ: 7 ઘાયલ
પ્રેમલગ્ન બાબતે બે જૂથ વચ્ચે ચાલી આવતી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું : બન્ને જૂથના 24 શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટ જિલ્લાના જસદણ એમ.ડી.કોહર કોલેજ પાસે ગઈકાલે કોળીના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં બન્ને પક્ષના સાત વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રેમ લગ્નના કારણે છેલ્લા છ માસથી ચાલ્યા આવતાં ડખ્ખાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ધીંગાણુ ખેલાયું હતું. આ ઘટના અંગે પોલીસે બન્ને જૂથના 24 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં રહેતા આદિત્ય મહેશભાઈ ઝીંઝુવાડીયાએ છ માસ પહેલા શિવરાજપુર ગામે રહેતી શિલ્પા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં ત્યારથી કોળી બે જૂથ વચ્ચે ડખ્ખો ચાલ્યો આવતો હતો. જે ડખ્ખાએ ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું.
જસદણનાં એમ.ડી.કોહર કોલેજ પાસે જળશક્તિ સર્કલની બાજુમાં ગઈકાલે કોળીના બે જૂથ આમને સામને આવી જતાં ધોકા પાઈપ જેવા ઘાતક હથિયાર સાથે ધીંગાણુ ખેલાયું હતું. જેમાં મનીષ બાબુભાઈ સોરઠીયા (ઉ.19), રાહુલ સોરઠીયા, રમેશભાઈ પ્રવિણભાઈ પીતામ્બરભાઈ અને સામે પક્ષે પ્રવિણભાઈ ઝીંઝુવાડીયા, સંગીતાબેન ઝીંઝુવાડીયા અને મનોજ ઝીંઝુવાડીયાને ઈજા પહોંચી હતી.
આ ઘટના સંદર્ભે પોલીસે જસદણ રહેતા અને કારખાનામાં મજુરી કામ કરતાં પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ ઝીંઝુવાડીયાની ફરિયાદ પરથી મનીષ બાબુભાઈ સોરઠીયા, વિજય જગદીશભાઈ સોરઠીયા, રોહિત રમેશભાઈ કોસીયા, જયસુખ રાણાભાઈ સોરઠીયા, ઘનશ્યામ જાદવ સોરઠીયા, હરેશ કેશુભાઈ સોરઠી, મુકેશ કેશુભાઈ સોરઠીયા, દિનેશ શિવાભાઈ સોરઠીયા, અજય જગદીશભાઈ સોરઠીયા, રમેશ સવજીભાઈ કોસીયા, રાહુલ રમેશભાઈ કોસીયા, બાબુ પિતામ્બર સોરઠીયા, પ્રવિણ પિતામ્બર સોરઠીયા, હંસાબેન રમેશ કોસીયા અને ડીમ્પલ રાહુલ કોસીયા સામે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે સામાપક્ષે મનીષ બાબુભાઈ સોરઠીયાની ફરિયાદ પરથી પોલીસે પ્રવિણ વિઠ્ઠલભાઈ ઝીંઝુવાડીયા, યશવંત મહેશભાઈ ઝીંઝુવાડીયા, આદિત્ય મહેશભાઈ ઝીંઝુવાડીયા, સંગીતા મહેશભાઈ ઝીંઝુવાડીયા, મહેશ વિઠ્ઠલભાઈ ઝીંઝુવાડીયા, મનોજ વિઠ્ઠલભાઈ ઝીંઝુવાડીયા, રઘુભાઈ પાંચાભાઈ સીરોડીયા, ઉત્તમ ગોરાભાઈ બાંભવા અને દિનેશ જમનાદાસ દેસાણી સામે રાયોટીંગનો ગુનો નોંધી બન્ને જૂથના આરોપીની ધરપકડ કરવ્ની કાર્યવાહી હાથ ધરી છે.