સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી બે જૂથ વચ્ચે અથડામણ: સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા ફાયરિંગ, 12 લોકો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, જૂથ અથડામણ અને મારામારીની ઘટનાઓ સતત બનતી રહે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક જૂથ અથડામણના ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લીમલી ગામે આવેલા જનરલ સ્ટોર પર સામાન્ય બોલાચાલી બાદ બે અલગ-અલગ જ્ઞાતિઓના જૂથો વચ્ચે મારમારીની ઘટના બની હતી. આ દરમિયાન 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો લીમલી ગામ ખાતે પહોંચ્યો હતો ગામમાં શાંતિ જળવાઈ તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
લીમલી ગામે સામાન્ય બોલાચાલી બાદ બે અલગ-અલગ જ્ઞાતિના જૂથો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. બે જૂથો પાઈપ, ધોકા, ધારીયા સહિતના ઘાતક હથિયારો સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા. બોલાચાલી બાદ મામલો એટલો ગરમાયો હતો કે આ દરમિયાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જૂથ અથડામણની ઘટનામાં 12 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ગામમાં શાંતિ જળવાઈ તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.