MLA ડો.દર્શિતા શાહ અને ભાજપ પ્રમુખ વચ્ચે તડાફડી
- વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવાના મામલે વિવાદ, ચાલુ બેઠકે તુ...તુ...મેં...મેં...
રાજકોટ શહેરમાં વડાપ્રધાનના આગમનની પૂરજોશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સ ખાતે યોજાનારા સભા માટે માનવ મેદની એકઠી કરવા વિધાનસભા વિસ્તારોના પ્રમુખો અને કોર્પોરેટરો સહિતનાને લક્ષ્યાંક આપી દેવામાં આવ્યો છે. જેમાં ફરી વખત ભાજપમાં ઉકળતો જુથવાદ સામે આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા માટે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહને તેમના મત વિસ્તારના વોર્ડ પ્રમુખોને ફોન મારફતે સુચના આપવાનું કહેવામાં આવેલ પરંતુ તેમને આ કામગીરીથી અડગા રહેતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ભરીસભામાં દર્શીતાબેનને તમે ફોન નથી કર્યા તેવું સંભળાવી દેતા દર્શીતાબેને પણ આ સિસ્ટમ તમારી ખોટી છે તેમ કહેતા તડાફડી બોલી ગઈ હતી.
વડાપ્રધાન મોદીના આગામન પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવેલો જૂથવાદ ફરી વખત સપાટી પર આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્રમોદીની જાહેરસભા રેસકોર્સ ખાતે યોજાવાની છે. જેમાં એક લાખથી વધુ માનવ મેદની ભેગી કરવા માટે વોર્ડવાઈઝ કોર્પોરેટરો, પ્રમુખો તેમજ કાર્યકરતાઓને જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. શહેરભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા કાર્યકમને લઈને રૂપરેખા તૈયાર કરવામા આવી છે. જેમાં ખાસ કરીને તમામ ધારાસભ્યને તેમના વિધાનસભા વિસ્તારોમાં નિમણુંક કરેલા પ્રમુખોને ફોન કરી જરૂરિયાત મુજબના કાર્યકર અને માનવ મેદની એકઠી કરવા સુચના આપે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ ધારાસભ્ય દર્શીતાબેન શાહે એક પણ પ્રમુખને ફોન ન કર્યાનું બહાર આવતા શહેર પ્રમુખે ભરી બેઠકમાં તમામ પ્રમુખોને હાજર રાખી દર્શીતાબેન શાહને જણાવેલ કે, તમે ફોન-કોલ કેમ નથી કર્યા આ રહ્યા તમામ પ્રમુખો તે કહે છે કે અમને ફોન આવ્યો નથી આથી છંછેડાયેલા ધારાસભ્ય દર્શીતાબેને કહ્યું કે તમારી સિસ્ટમ જ ખોટી છે અને તમે મને જાહેરમાં ખોટી પાડી રહ્યા છો તેમ કહેતા પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે જામી પડી હતી.
વડાપ્રધાનના આગમન પહેલા જ ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને શહેરભાજપ પ્રમુખ મુકેશ દોશી વચ્ચે તુ.. તુુ...મે... થયાની ઘટનાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. જેના કારણે પક્ષને વફાદાર કાર્યકરથી લઈને વોર્ડ પ્રમુખ તેમજ કોર્પોરેટરો સહિતનાઓએ રોષ વ્યક્ત કરી ખરેટાણે જ જવાબદાર વ્યક્તિઓ દ્વારા જવાબદારીનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે. તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. અને આ ઘટનાએ ભાજપ વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે.