સિવિલમાં હવે 14 મૃતદેહો સાચવવાની સુવિધા
રાજકોટની પીડીયુ સિવીલ હોસ્પીટલ ખાતે પોસ્ટ મોર્ટમ રૂમમા બિનવારસુ મૃતદેહોને સાચવવા માટે વધુ સુવીધા ઉપલબ્ધ થઇ છે . સિવીલ હોસ્પીટલ ખાતે મૃતદેહ સાચવવા માટે 3 કોલ્ડ બોક્ષ હતા જેમા 6 જેટલા મૃતદેહ સાચવી શકાતા હતા. સૌરાષ્ટ્ર - કચ્છની સૌથી મોટી સિવીલ હોસ્પીટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે આવતા મૃતદેહોને સાચવવા માટે વધુ કોલ્ડ સ્ટોરેજ બોક્ષની જરૂર હોય જે અંગે તબીબી અધીક્ષક ડો. મોનાલી માકડીયા દ્વારા કલેકટરને કરેલી રજુઆત બાદ વધુ 4 કોલ્ડ બોક્ષ ફાળવવામા આવ્યા છે. નવા ફાળવવામા આવેલા આ 4 કોલ્ડ બોક્ષમા 8 મૃતદેહોને સાચવી શકાશે જેથી હવે સિવીલ હોસ્પીટલમા પીએમ રૂમ ખાતે 14 જેટલા મૃતદેહોને સાચવી શકાય તેવી સુવીધા ઉપલબ્ધ બની છે.
સિવીલ હોસ્પીટલમા ભુતકાળમા જયારે રાજકોટમા બનેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ વખતે ર7 લોકોનાં મોત થયા હોય આ હતભાગીઓનાં મૃતદેહને પીએમ રૂમ ખાતે તેમની ઓળખ ન થાય ત્યા સુધી રાખવામા આવ્યા હતા ત્યારે કોલ્ડ સ્ટોરેજ બોક્ષ ઓછા હોવાનાં કારણે મૃતદેહોને ઘણા દિવસ સુધી કોલ્ડ બોક્ષની બહાર પીએમ રૂમમા રાખવામા આવ્યા હતા. આ ઘટના બાદ હોસ્પીટલમા કોલ્ડ બોક્ષની સંખ્યા વધારવા માટે કલેકટરને રજુઆત પણ કરવામા આવી હતી. જયારે મોટી દુર્ઘટના વખતે મૃતદેહોને ઘણા દિવસો સુધી સાચવી શકાય તેવી સુવીધા ઉભી કરવા માટે કલેકટર તંત્ર દ્વારા સરકારને કરેલી રજુઆત બાદ ગ્રાંટ ફાળવવામા આવી હોય અને હવે સિવીલ હોસ્પીટલનાં પોસ્ટ મોર્ટમ રૂમમા વધુ 4 કોલ્ડ બોક્ષ ઉપલબ્ધ કરાયા છે જેમા કુલ 8 મૃતદેહો સાચવી શકાશે. અગાઉ 3 કોલ્ડ બોક્ષ બાદ હવે કુલ 7 કોલ્ડ બોક્ષ ઉપલબ્ધ થતા 14 જેટલા મૃતદેહોને સાચવવાની સુવીધા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ઉભી કરાઇ છે .