સિવિલ હોસ્પિટલની બેદરકારી: તબીબોએ દાખલ ન કરતાં દર્દીનું બાંકડાં પર જ મોત
રાત્રે સારવારમાં આવતા દવા આપી જવા દેવાયા, રાત આખી બાંકડાં પર જ બેસી રહેતા ત્યાં જ દમ તોડી દીધો
શહેરની સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇ ને કોઇ કારણસર વિવાદમાં આવતી રહે છે. સિવિલના તબીબોની બેદરકારીના કારણે દર્દીના મૃત્યુ થયાના આક્ષેપો વધી રહ્યા છે. ત્યારે સિવિલની વધુ એક બેદરકારીના કારણે નિર્દોશ વ્યકિતનો જીવ ગયો છે. રાતે સારવારમાં આવેલા દર્દીને દાખલ કરવાના બદલે તબીબોએ દવા આપી તેને જવા દીધો હતો. જેથી દર્દી સિવિલના કમપાઉન્ડમાં આખી રાત બેસી રહેતા બાકડા પર જ તેણે દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં આવેલા નુરાનીપરામાં રહેતા પ્રવીણભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.50)નામના આધેડ આજે સવારે સાત વાગ્યે સિવિલ હોસ્પિટલના કમપાઉન્ડમાં બાકડા પર જ બેભાન હાલતમાં પડેલા હોય તેમને સારવારમાં ખસેડાતા મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું હતુ આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રવિણભાઇ ત્રણ ભાઇ ત્રણ બહેન છે. તેમની પત્ની અન્ય સાથે જતી રહી હોવાથી હાલ તેઓ રખડતુ ભટકતુ જીવન જીવતા હતા. ગઇકાલે રાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જો કે, તબીબોએ તેમને દાખલ કરવાના બદલે માત્ર એક્સ-રે કરાવી દવા આપી જવા દેવાયા હતા. જેથી તેઓ સિવિલ હોસ્પિટલના કમપાઉન્ડમાં જ પોલીસ ચોકી સામે આવેલા છાપરા નીચે બાકડા પર બેસી રહ્યા હતા. સવારે અન્ય લોકોએ જોતા તેઓ બેભાન હાલતમાં પડેલા હોય સારવારમાં ખસેડાતા મોત નીપજ્યુ હતુ. આમ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે દર્દી આખી રાત બહાર બાકડા પર બેસી રહેતા ત્યા જ તેમણે દમ તોડી દીધો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.