સિટી બસના ચાલકે બેફામ સ્પીડે બસ દોડાવી, વૃધ્ધાને કમરમાં ઈજા થતાં ઉતારી દીધા
ત્રિકોણબાગથી શાપર-વેરાવળ જતી બસના ચાલકે મુસાફરોના જીવ અધ્ધર કર્યા
ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થાના બદલે રસ્તે રઝળાવી ફરાર
અવારનવાર વિવાદમાં આવતી સિટી બસ વધુ એક વખત વિવાદમાં આવી છે. રાજકોટનાં ત્રિકોણબાગથી શાપર-વેરાવળ જતી 11 નંબરની સિટી બસના ચાલકે ગોંડલ રોડ પર બેફામ ગતિએ બસ દોડાવતાં બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. બસના ચાલકે પુરપાટ ઝડપે બસ દોડાવી ગોંડલ રોડ પર એક ખાડામાં રોદો લેતાં પાછળ બેઠેલા 60 વર્ષના વૃધ્ધામાં કમરમાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને સારવારમાં ખસેડવાની વ્યવસ્થા કરવાના બદલે રસ્તા વચ્ચે ઉતારી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વૃધ્ધાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વૃધ્ધાના પરિવારજનો આ મામલે પોલીસ ફરિયાદ માટે તજવીજ કરી રહ્યાં છે.
શાપર વેરાવળમાં રહેતા દેવીબેન વેજાભાઈ સોલંકી (ઉ.આ.60) આજે સવારે પોતાની દીકરીને ત્યાં ભગવતીપરામાં આવ્યા હતાં અને ત્યાંથી પરત શાપર-વેરાવળ જવા માટે ત્રિકોણબાગથી સિટી બસમાં બેઠા હતાં. ત્રિકોણબાગથી શાપર વેરાવળ જતી 11 નંબરની સિટીબસના છેલ્લી સિટમાં બેઠેલા દેવીબેન સહિતના મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. જ્યારે ત્રિકોણબાગથી ઉપડેલી સિટી બસના ચાલકે બેફામ સ્પીડે બસ ચલાવી હતી. બસ ગોંડલ રોડ ઉપર એક ખાડામાંથી પસાર કરવામાં આવતાં રોદો આવ્યો હતો. જેના કારણે પાછળ બેઠેલા મુસાફરો ઉલળ્યા હતાં. જેમાં દેવીબેન બસની પાછળની સીટમાંથી પડી જતાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. મુસાફરોએ બસના ચાલકને બસ ઉભી રાખી દેવીબેનને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
ત્રિકોણબાગથી શાપર વેરાવળ જતી 11 નંબરની સિટી બસના ચાલક અને કંડકટરે માનવતા નેવે મુકી દેવીબેનને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરવાના બદલે રસ્તે રઝળાવી બસની નીચે ઉતારી મુકી બસ ત્યાંથી હંકારી મુકી હતી. અંતે બસમાં બેઠેલા મુસાફરોમાંથી કેટલાક મુસાફરોએ મદદ કરી દેવીબેનના પરિવારને જાણ કરી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. દેવીબેન સોલંકીના પરિવારે આ મામલે બેદરકાર સિટી બસના ચાલક સામે કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ માટેની તૈયારી કરી છે.