શહેર-જિલ્લા ભાજપ પ્રમુખોની સાંજે જાહેરાત
કલસ્ટર ઇન્ચાર્જ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને બંધ કવરમાં નામો સોંપી દેવાયા
ભારતીય જનતા પાર્ટીને લઈ મોટા સમાચાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન મુદ્દે મહત્વની જાણકારી સામે આવી છે. ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામ પર મહોર લગાવી દીધી છે. જિલ્લા અને શહેર પ્રમુખોના લિસ્ટને લીલીઝંડી મળી ગઈ છે. આજે સાંજે ભારતીય જનતા પાર્ટી શહેર અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવનાર છે. જયારે હોળી બાદ ગુજરાત ભાજપના પ્રમુખની નિમણૂંક કરવામાં આવનાર હોવાનુ જાણવા મળે છે.
ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી તૈયાર કરી લીધી છે. ક્લસ્ટર ઈન્ચાર્જ અને જિલ્લા શહેર ચૂંટણી અધિકારીઓને બંધ કવરમાં નામ સોંપી દેવામાં આવ્યા છે. હવે આજે આ નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપ 60થી 70 ટકા જેટલા શહેર અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરશે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લા ભાજપની બેઠકમાં બંધ કવર ખોલી નામોની જાહેરાત કરવામાં આવશે. ભાજપ 70 ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે બાકીના 30 ટકા શહેર અને જિલ્લા પ્રમુખોના નામ નવા પ્રદેશ પ્રમુખ જાહેર કરશે.ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત બાદ ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે અને હવે ભાજપને તેમના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે.
રાજકોટમાં સાંસદ મયંકભાઇ નાયક નામ જાહેર કરશે
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખોના નામ લઇ આજે સાંજે સાંસદ મયંક નાયક રાજકોટ આવી પહોંચનાર છે અને રાત્રે 8 વાગ્યે પ્રમુખોના નામ જાહેર કરશે ત્યારે શહેર પ્રમુખ મુકેશ દોશી અને જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા રીપીટ થશે કે બદલાશે તે અંગે ચર્ચાઓ અને અટકળો શરૂ થઇ છે.